સાત દિવસ જૂની બોલાચાલીનો ખાર રાખી લોખંડના પાઇપ અને લાકડીઓથી હુમલો, સ્કૂટીમાં પણ તોડફોડ.
વાંકાનેર તાલુકાના ખખાણા ગામે કારમાંથી કીચડ ઉડવા બાબતે દિયર સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ ગામમાં આતંક મચાવ્યો હતો, જેમાં પરિવારના ઘરમાં ઘાતક હથિયારો સાથે ઘરમાં ઘુસી સાસુ-વહુ પર હુમલો કર્યો હતો. હુમલામાં બંને મહિલાઓને ઇજા પહોંચી હતી, જ્યારે ઘરમાં રાખેલ સ્કૂટીમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતા હેતલબેન અનિલભાઈ થોરીયા ઉવ.૨૫એ આરોપી સુરેશભાઈ ગોવિદભાઈ ગોધાણી, સંજયભાઈ સંગ્રામભાઈ ગોધાણી, કરણભાઈ સંગ્રામભાઈ ગોધાણી તથા રવિભાઈ સંગ્રામભાઈ ગોધાણી બધા રહે. ખખાણા ગામ તા.વાંકાનેર વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, સાત-આઠ દિવસ અગાઉ આરોપી સુરેશભાઈનો ભાણેજ સ્વીફ્ટ કાર લઈને નીકળેલ ત્યારે ફરિયાદીના દિયરને કારમાંથી કીચડ ઉડતા આ બાબતે તેઓને ઠપકો આપેલ જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેનો ખાર રાખીને ગત તા. ૮ જુલાઈની રાત્રે ફરિયાદી હેતલબેન પરિવાર સાથે ઘરે હતા ત્યારે ઉપરોક્ત ચારેય આરોપીઓ લોખંડના પાઇપ અને લાકડીઓ લઈને તેમના ઘર પાસે પહોંચી ગાળો બોલી ફરિયાદી હેતલબેનના માથાના કપાળના ભાગે લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો, જ્યારે તેમના સાસુ રતનબેનના પગમાં પણ પાઇપથી માર માર્યો હતો.
આ ઉપરાંત આરોપીઓએ ઘરની બહાર પાર્ક કરેલ સ્કૂટીમાં પણ તોડફોડ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. બનાવ બાદ ઇજાગ્રસ્ત બંને સાસુ-વહુને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા, જ્યાંથી વધુ સારવાર અર્થે ફરિયાદી હેતલબેનને રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. હાલ વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






