મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રાતવીરડા ગામની સીમમાં આવેલ સિસ્કોન કારખાના પાછળ જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા ચાર શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ રોકડા રૂપિયા ૨૭,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સખત સૂચનાઓ આપવામાં આવી હતી. આ અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસે બાતમીના આધારે રાતવીરડા ગામની સીમમાં સિસ્કોન કારખાના પાછળ જાહેરમાં ગંજીપાના અને પૈસા વડે જુગાર રમતા ઇસમો પર રેડ કરવામાં આવી હતી.આ રેડ દરમિયાન પોલીસે બીપીનકુમાર ભાણજીભાઇ દલસાણિયા, આનંદભાઇ મનસુખભાઈ બરાસરા, યોગેશભાઇ ઘનશ્યામભાઇ અધારા અને રામનરેશ જગનસિંહ હરસાણાને ઝડપી લીધા છે.પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૨૭,૯૦૦ તેમજ ૫૨ ગંજીપાનાના પાના કબ્જે કર્યા છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.






