મોરબી, તા. 15 ઓક્ટોબર, 2026: ચૂંટણીલક્ષી સાધન-સામગ્રીની સુરક્ષા અને યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરવાના હેતુથી મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી ખાતે આવેલા EVM વેરહાઉસની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી.
ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર લેવામાં આવેલી આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ વેરહાઉસ ખાતે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. જેમાં સુરક્ષા બંદોબસ્ત, CCTV કેમેરા દ્વારા મોનિટરિંગ, રજિસ્ટરની જાળવણી સહિતની જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી.આ ઉપરાંત, વેરહાઉસમાં સંગ્રહિત ચૂંટણીલક્ષી મશીનોના સ્ટોરેજ, તેની યોગ્ય જાળવણી અને સુરક્ષા સંબંધિત નિર્ધારિત ધોરણોનું પાલન થાય છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને ચૂંટણીલક્ષી સાધન-સામગ્રીની સુરક્ષા અને જાળવણી અંગે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી. ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય અને EVM સહિતની ચૂંટણીલક્ષી સામગ્રીની સુરક્ષા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.






