મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર વર્તાય રહ્યો છે ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ સુધારવા અને કોરોનાથી સમાજને મુક્ત કરવાનાં અભિયાનરૂપે ગત તા. ૧૨થી વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ દ્વારા ગાયત્રી ચેતના કેન્દ્ર, નવા હાઉસીંગ બોર્ડ (બ્લોક M ૧૧૫૮/૫૯) ખાતે જનજાગૃતિ અભિયાન (રાજકોટ-મોરબી)નાં સહયોગથી આયુર્વેદ ઔષધનું નિઃશુલ્ક અને હોમિયોપેથીક દવાઓનું રાહતદરે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ સેવા સ્ટોક ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી સવારે ૯ થી ૧૨ કલાકે અને સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે.
વધુમાં, છેલ્લા થોડા દિવસોથી મેડિકલ ઇમરજન્સી માટે ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા રનિંગ પ્રવૃત્તિને રોકીને ઇકો વાનને લોકોની મેડિકલ જરૂરિયાત માટે ફાળવી દેવામાં આવી છે. આ સદપ્રવૃત્તિથી પ્રેરાઈને કેન્દ્રને દાતાઓ તરફથી વધુ એક ઇકો વાન ભેટ આપવામાં આવતા હાલ બે ઇકો વાન લોકોની મેડિકલ ઇમરજન્સી માટે ફાળવી દેવામાં આવી છે. જરૂરિયાતવાળા દર્દીઓ કે તેમના સગાઓ હિતેશ રામાવત (93742 42421) અથવા કેતન રામાવત (96924 22222)નો સંપર્ક કરી આ સેવાનો નિઃશુલ્ક લાભ લઈ શકે છે. તો મોરબી વિસ્તારના સૌ નાગરિકોને જરૂરિયાત પ્રમાણે આ સેવાનો લાભ લેવા ગાયત્રી ચેતના કેન્દ્ર-મોરબીના મણીભાઇ ગડારા અને વી. ડી. પડસુંબીયાની યાદી જણાવે છે.