નિર્શિવ ફાઉન્ડેશનની અનોખી પહેલ, “જીવનનો નવો પડાવ: મેનોપોઝમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય” વિષય પર ૧૧ જુલાઈએ ડૉ. હેમાબેન પટેલ આપશે માર્ગદર્શન.
મોરબીમાં ૩૫ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં મેનોપોઝ અંગે જાગૃતિ લાવવા નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા આગામી ૧૧ જુલાઈએ વિશેષ નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. હેમાબેન પટેલ મહિલાઓને મેનોપોઝ દરમિયાન થતા શારીરિક અને માનસિક ફેરફારો તેમજ તેના નિરાકરણ અંગે માર્ગદર્શન આપશે.
મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા “જીવનનો નવો પડાવ: મેનોપોઝમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય” વિષય પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી ૧૧ જુલાઈના રોજ સંસ્કારધામ હોલ જીઆઈડીસી શનાળા રોડ મોરબી ખાતે બપોરે ૪ થી ૬ યોજાશે. નિર્શિવ ફાઉન્ડેશનના સ્થાપક આરતી રોહને જણાવ્યું હતું કે, મેનોપોઝ મહિલાઓના જીવનનો એક મહત્વપૂર્ણ તબક્કો છે, જેમાં હોર્મોનલ ફેરફારોને કારણે હોટ ફ્લેશ, ઊંઘની સમસ્યાઓ, તણાવ, ચીડિયાપણું અને ચિંતા જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જાગૃતિના અભાવે ઘણી મહિલાઓ આ વિષય પર ખુલીને ચર્ચા કરી શકતી નથી.
સેમિનારમાં મોરબીના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. હેમાબેન પટેલ (MBBS, DGO) મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી મહિલાઓને મેનોપોઝના વિવિધ પાસાઓ, યોગ્ય આહાર, કસરત અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપશે. ઉપરાંત પ્રશ્નોત્તરી સત્રમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નોના સીધા જવાબ મેળવી શકશે. આ કાર્યક્રમમાં મોરબી અને આસપાસના વિસ્તારની તમામ મહિલાઓ માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. જોકે, બેઠક વ્યવસ્થા મર્યાદિત હોવાથી અગાઉથી નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી માટે આયોજક અદિતિ વિરમગામા-૯૫૮૬૬ ૧૩૨૦૨ નો સંપર્ક કરી સીટ બુક કરાવવા અપીલ કરાઈ છે. તથા નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા તમામ મહિલાઓને આ જાગૃતિ સેમિનારમાં મોટી સંખ્યામાં જોડાવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






