Thursday, June 25, 2026
HomeGujaratમોરબી: વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને પ્લોટનો કબજો સોંપાયો

મોરબી: વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને પ્લોટનો કબજો સોંપાયો

કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પછાત અને વંચિત પરિવારોને સ્થાયી આવાસ માટે પ્લોટ એનાયત કરાયા, લાભાર્થીઓએ હર્ષ વ્યક્ત કર્યો.

- Advertisement -
- Advertisement -

મોરબી: ગુજરાત સરકારના વિચરતી-વિમુક્ત જાતિના પરિવારોના પુનર્વસન અને કલ્યાણના સેવાભાવી અભિગમને ચરિતાર્થ કરતા મોરબી જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી તાલુકાના મકનસર ગામે સરકારી ખરાબાની જમીનમાંથી વિચરતી-વિમુક્ત જાતિના કુલ ૫૪ જરૂરિયાતમંદ લાભાર્થીઓને રહેણાંક હેતુ માટે વિનામૂલ્યે પ્લોટ ફાળવીને સ્થળ પર જ તેનો પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવ્યો હતો.

આ અભિગમ અંતર્ગત મકનસર ગામની સરકારી ખરાબાની સર્વે નં. ૧૩૩/૧ અને ૧૩૨ પૈકીની કુલ ૧૫,૦૦૦ ચોરસ મીટર જમીનમાંથી પ્રત્યેક લાભાર્થી પરિવારને ૧૦૦ ચોરસ વારનો રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યો હતો. પ્લોટનો કબજો સોંપવાના આ અવસરે જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વંચિત, શ્રમિક અને પછાત વર્ગોના સર્વાંગી ઉત્કર્ષ માટે કટિબદ્ધ છે. વિચરતી જાતિના પરિવારોને સ્થાયી આવાસ પૂરા પાડવાની આ નવતર પહેલ તેમના સામાજિક-આર્થિક સ્તરમાં ગુણાત્મક પરિવર્તન લાવશે અને સ્થિરતા પ્રદાન કરશે.

આ કલ્યાણકારી યોજનાનો લાભ મેળવનારા મુખ્ય લાભાર્થીઓમાં કરશનનાથ રાઠોડ, અર્જુનનાથ રાઠોડ, રમેશનાથ પરમાર, વેલનાથ પરમાર, ધીરુનાથ રાઠોડ, સિકંદરનાથ ભાટી, મુન્નાનાથ ભાટી અને ભુપતનાથ ભાટી સહિતના ૫૪ પરિવારોનો સમાવેશ થાય છે. વર્ષો જૂનું ઘરનું ઘર બનાવવાનું સપનું સાકાર થતાં તમામ લાભાર્થીઓએ રાજ્ય સરકાર અને જીલ્લા પ્રશાસન પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

આગામી સમયમાં આ વસાહતમાં આવાસ નિર્માણ અને પાયાની આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પણ વહીવટી તંત્ર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવશે.

આ પ્રસંગે કલેક્ટરની સાથે મોરબીના પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત, મોરબી ગ્રામ્ય મામલતદાર સાગર ત્રાંબડીયા, તાલુકા વિકાસ અધિકારી જે.પી. વણપરીયા, સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!