ચોરી સહિતના અનેક ગુન્હાઓ આચરવામાં માહિર શખ્સો અવનવા પેતરા રચી ગુન્હાને અંજામ આપતા હોય છે ત્યારે મોરબીના જુના બસ સ્ટેન્ડમાથી મહિલાનું ધ્યાન ચૂકવી ગાંઠિયાએ સોના ચાંદીના 1.75 લાખ રૂપિયા દાગીના ભરેલ પર્સ બઠાવી લેતા પરિણીતા પર આભ ફાટી પડ્યું છે.
હેમીબેન કરશનભાઇ છગનભાઇ ચાવડા (ઉ.વ.૪૫ રહે.કેશોદ ઇન્દીરાનગર પાણીના ટાંકા પાસે એન.પી.કોલેજ રોડ જી.જુનાગઢ)એ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું કે તેઓ મોરબી બસ સ્ટેન્ડમા બસમા ચડી રહ્યા હતા આ દરમિયાન અથવા બસમા બેસી ગયા બાદની વેળાએ પોતાના પર્સમા રાખેલ સોનાનો હાર તથા સોનાની વીટી, સોનાનુ લોકેટ સહિત રોકડ રૂ.૧૫૦૦ મળી કુલ રૂ.૧,૭૬,૫૦૦ કિંમતના મુદામાલની કોઇ ભેજાબાજ અજાણ્યો શખ્સ ચોરી કરી સેરવી ગયો હતો. આ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.