મોરબી જિલ્લામાં અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ત્યારે ગતરોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક અજાણ્યા વાહનના હડફેટે આવી જતા બાઈક સવાર બે યુવકોના મોત નીપજ્યા છે.
મળતી માહિતી અનુસાર, કચ્છ જિલ્લાના ભુજના રહેવાસી નીતિનભાઈ રાવલના ભાઈ ઈશ્વરભાઈ તથા ઇશ્વરભાઇના મિત્ર અમરશીભાઈ ગઈકાલે રાત્રે બારેક વાગ્યાના અરસામાં મોરબી જિલ્લાના ટીબડી ગામના પાટીયા નજીક આવેલ પેટ્રોલ પંપની નજીકથી પોતાની જી.જે.-૧૨-એ.જે.-૬૦૮૦ નંબરની સ્પ્લેન્ડર બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન માળીયા મોરબી નેશનલ હાઈવે પર એક અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન પુરાપાટ ઝડપે ચાલતા આગળ જતા બાઈક સાથે અથડાયું હતું. જેના કારણે બાઇક સવાર ઇશ્વરભાઇને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ અમરશીભાઈને ગુપ્ત ભાગે ઈજાઓ થઈ હતી. જેને કારણે બંને યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.