મોરબી-વાંકાનેર હાઇવે પર શૈલેષ કાંટા પાસે ટ્રેલર ચાલકે પુરઝડપે અને બેદરકારીથી વાહન હંકારી આગળ જતી બોલેરો ગાડી અને સીએનજી રીક્ષાને પાછળથી અડફેટે લેતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રીક્ષાની પાછળની સીટમાં બેઠેલા દેવજીભાઈ રેસીયા નીચે રોડ પર પટકાયા હતા અને તેમના ઉપર ટ્રેલરનું ટાયર ફરી વળતા તેમનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મોટ નીપજ્યું હતું. ઘટનાને પગલે મોરબી તાલુકા પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, મોરબી-વાંકાનેર હાઇવે પર શૈલેષ કાંટા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં રફાળેશ્વરથી કોઠારીયા ગામે પ્રસંગમાં જવા માટે દેવજીભાઈ બચુભાઈ રેસીયા, ઉવ.૪૫ રહે. હાલ રફાળેશ્વર મચ્છુનગર તા.જી.મોરબી મૂળ કોઠારીયા તા.જોડિયા જી.જામનગર વાળા સીએનજી રીક્ષા રજી.નંબર જીજે-૩૬-ડબ્લ્યુ-૧૭૬૮માં પાછળની સીટમાં બેસીને મોરબી તરફ જતા હતા. દરમિયાન શૈલેષ કાંટા પાસે ટ્રેલર ટ્રક રજી.નંબર જીજે-૩૬-ટી-૮૦૫૮ના ચાલકે ટ્રેલર પુરઝડપે અને બેદરકારીથી ચલાવી આગળ જતી બોલેરો ગાડી તથા સીએનજી રીક્ષાને પાછળથી ટક્કર મારતા રીક્ષામાં બેઠેલા દેવજીભાઈ નીચે રોડ પર પટકાયા હતા. આ દરમિયાન તેમના ઉપર ટ્રેલરનું ટાયર ફરી વળતાં છાતી તથા કમરના નીચેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર હાલતમાં તેમને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના પત્ની જયાબેન દેવજીભાઈ રેસીયાની ફરિયાદના આધારે પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા એમવી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






