તાલુકા પોલીસે ૩ આરોપીને ૧૨ મોબાઈલ, છરી, રોકડ અને મોપેડ સાથે ઝડપી લીધા.
મોરબી તાલુકા પોલીસે છરીની અણીએ લૂંટ ચલાવતી ટોળકીને ઝડપી લીધી છે, જેમાં રાત્રિના સમયે પરપ્રાંતીય શ્રમિકોને છરી બતાવી મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવતી તેમજ લેબર ક્વાર્ટરમાંથી મોબાઈલ ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ રૂ.૭૫ હજારનો મુદ્દામાલ કબજે કરી લૂંટ અને ચોરીના બે વણશોધાયેલા ગુના ડિટેક્ટ કર્યા છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૨૭ ઓગસ્ટની રાત્રે ભરતનગરથી ખોખરા હનુમાન તરફ જતા રોડ પર ત્રણ અજાણ્યા શખ્સોએ ત્રણ શ્રમિકોને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમના પાસેથી બે મોબાઈલ ફોન કિ.રૂ.૧૦ હજાર તથા રોકડા રૂ.૧ હજાર બળજબરીપૂર્વક લઈ ગયા હતા. આ ઉપરાંત રંગપર-જીવાપર તરફના રોડ પાસે આવેલી લુપ્ટેન સીરામીકના લેબર ક્વાર્ટરમાં મોડી રાત્રે પ્રવેશ કરી અલગ-અલગ ક્વાર્ટરમાંથી વિવિધ કંપનીના ૭ મોબાઈલ ફોન કિ.રૂ.૨૯ હજારની ચોરી કરવામાં આવી હતી. બંને બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ગુના નોંધાયા હતા.
ત્યારે બંને લૂંટ અને ચોરીના ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તાલુકા પોલીસ મથક પીઆઇ એન.એસ. ઘેટીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને બીટની અલગ-અલગ ટીમો આરોપીઓની શોધમાં હોય તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે બેલા(રં) ગામથી ખોખરા હનુમાન તરફ જતા રોડ ઉપર સબ સ્ટેશન આગળના પુલિયા પાસે વોચ ગોઠવી ત્રણ આરોપીઓ વિકાસભાઈ અનિલભાઈ લોરીયા રહે. ઇન્દિરાનગર સામાકાંઠે મોરબી મૂળ કોટડાનાયાણી તા. વાંકાનેર, ભુપતભાઈ મોહનભાઈ ચૌહાણ રહે. ઇન્દિરાનગર ખોડિયાર માંના મંદિર સામે મોરબી-૨ અને ચિરાગભાઈ નાનજીભાઈ ચાવડા રહે. ઇન્દિરાનગર સામાકાંઠે, રામાપીર મંદિર પાસે મોરબી મૂળ મહેન્દ્રનગર મોરબી-૨ વાળાને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી ૧૨ એન્ડ્રોઇડ મોબાઈલ રૂ.૫૪ હજાર, એક છરી, રોકડા રૂ.૧ હજાર અને એક પીળા રંગનું એક્સેસ મોપેડ નં. જીજે-૩૬-એક્યુ-૧૧૬૫ કિ.રૂ.૨૦ હજાર મળી કુલ રૂ.૭૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ ઉપરાંત પકડાયેલ આરોપીમાં આરોપી વિકાસભાઈ લોરીયા અને ભુપતભાઈ ચૌહાણનો અગાઉ પણ ચોરી, જુગાર, પ્રોહિબિશન તથા અન્ય ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા, પીએસઆઈ સી.એસ. સોંદરવા, પીએસઆઈ કે.એચ. અંબારીયા, સર્વેલન્સ સ્ટાફ તથા બીટના પોલીસ જવાનની ટીમ દ્વારા કરવામાં આવી હતી.






