રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ પાછળની દિવાલ તોડી દુકાનમાં પ્રવેશ કર્યો: ૨૪ ગ્રામ સોનું, ૬.૨૫ કિલો ચાંદીના દાગીના અને ૧.૫૦ કિલો ચાંદીના ભંગારની ચોરી.
મોરબીના સરદાર રોડ પર આવેલી રાધાકૃષ્ણ જવેલર્સની બંધ દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી, જેમાં દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડી પ્રવેશ કરી રૂ.૧૭.૨૪ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ચાંદીનો ભંગાર ચોરી કરી લઈ ગયા હતા. સમગ્ર ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે ત્યારે હાલ બનાવ મામલે દુકાનદારની ફરિયાદના આધારે સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના ખારાકુવા વાળી શેરી સરદાર રોડ વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષીય સોની વેપારી દિપકભાઈ જયંતિભાઈ માંડલીયાની સરદાર રોડ પર રાધાકૃષ્ણ જવેલર્સ નામની દુકાન આવેલી છે. તેઓ અને તેમના પરિવારના સભ્યો છેલ્લા આશરે ૨૫ વર્ષથી દુકાન ચલાવે છે. ત્યારે તાજેતરમાં સાતમ-આઠમના તહેવાર સબબ ગત તા.૦૩/૦૯ના રોજ દુકાન બંધ કર્યા બાદ દિપકભાઈ તહેવારને લઈને રાજકોટ ગયા હતા. ત્યારબાદ ગઈકાલ તા.૭ સપ્ટેમ્બરના રોજ સવારે દુકાન ખોલતા અંદરનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તપાસ કરતાં દુકાનની પાછળની દિવાલમાં મોટું બાકોરું પાડેલું મળી આવ્યું હતું.
ત્યારે દુકાનના સીસીટીવી કેમેરા તપાસતાં ગઈ તા.૦૫ સપ્ટેમ્બરના રોજ રાત્રે આશરે ૨:૪૫ વાગ્યે અજાણ્યો ચોર પાછળની દિવાલ તોડી બાકોરું પાડી દુકાનમાં પ્રવેશ કરતો હોવાનું સામે આવ્યું હતું. તસ્કરે દુકાનમાંથી આશરે ૨૪ ગ્રામ સોનાના દાગીના કિ.રૂ.૨.૭૪ લાખ, આશરે ૬ કિલો ૨૫૦ ગ્રામ ચાંદીના દાગીના કિ.રૂ.૧૨.૫૦ લાખ તેમજ ૧ કિલો ૫૦૦ ગ્રામ ચાંદીનો ભંગાર કિ.રૂ.૨ લાખ એમ કુલ રૂ.૧૭.૨૪ કાખના મુદ્દામાલની ચોરી કરી હતી. ચોરીના બનાવ મામલે દિપકભાઈ માંડલીયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.






