સુરત પોલીસે છેલ્લાં ૮ મહિનામાં કુલ ૧,૬૫૨ ગુમ થયેલ વ્યક્તિઓનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું:૧૮ વર્ષ જૂના પેન્ડિંગ કેસોમાં પણ પોલીસને મળી સફળતા
સુરત શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યરત મિસિંગ સેલ દ્વારા ‘ઓપરેશન મુસ્કાન’ અંતર્ગત સઘન ઝુંબેશ ચલાવીને માત્ર ઓગસ્ટ-૨૦૨૬ના એક જ મહિનામાં સુરત અને બહારના રાજ્યોમાંથી ગુમ તથા અપહરણ થયેલા ૭૬ બાળકો અને ૧૩૪ પુખ્ત વ્યક્તિઓ મળી કુલ ૨૧૦ લોકોને હેમખેમ શોધી કાઢવામાં મોટી સફળતા મેળવી છે.
રાજ્યના પોલીસ મહાનિદેશક જી.એસ. મલિક તથા સુરત શહેર પોલીસ કમિશ્નર વાબાંગ જામીરની સૂચના અનુસાર, એડિશનલ સીપી ડૉ. કરનરાજ વાઘેલા અને ડીસીપી ભાવેશ રોજીયાના માર્ગદર્શન હેઠળ આ ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં એસીપી (મહિલા સેલ) કે.એમ. જોસેફ તથા મિસિંગ સેલના પી.આઈ. વી.એસ. લાંબાની આગેવાનીમાં ટીમો બનાવી સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં ૧૮ વર્ષથી અનડિટેક્ટ રહેલા ગુમ અને અપહરણના કેસોના જૂના કાગળો તથા રજિસ્ટરોની ફેરતપાસ કરવામાં આવી હતી.
ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવાઈ
તપાસ દરમિયાન ઘણા કિસ્સાઓમાં ગુમ થયેલા બાળકો કે વ્યક્તિઓ અન્ય જિલ્લા અથવા અન્ય રાજ્યોમાં હોવાનું સામે આવ્યું હતું. જેથી સ્થાનિક સરપંચો, ગામના અગ્રણીઓ અને સંબંધિત રાજ્યના પોલીસ સ્ટેશનોનો સંપર્ક સાધીને ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા સઘન શોધખોળ હાથ ધરી ૨૧૦ ગુમ થયેલા લોકોને શોધી કાઢવામાં આવ્યા હતા.ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન
૦ થી ૧૮ વર્ષના બાળકો કુલ ૭૬,૧૮ વર્ષથી ઉપરના પુખ્ત ૧૩૪ મળી કુલ શોધી કઢાયેલા વ્યક્તિઓની સંખ્યા ૨૧૦ થઈ છે.
ખાસ બાબત એ છે કે ૨૦૦૭, ૨૦૦૮ અને ૨૦૧૪ જેવા વર્ષો જૂના કેસોમાં પણ ગુમ થયેલા લોકોને શોધી કાઢવામાં આવ્યા છે.૮ મહિનામાં કુલ ૧,૬૫૨ લોકોને પરિવારો સાથે મેળવાયા
સુરત પોલીસ દ્વારા ગુમ થયેલ વ્યક્તિઓની શોધખોળ અંગે સતત સંવેદનશીલ અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. જાન્યુઆરી-૨૦૨૬થી ઓગસ્ટ-૨૦૨૬ સુધીના માત્ર ૮ મહિનાના ટૂંકા ગાળામાં સુરત શહેર પોલીસે કુલ ૫૩૧ બાળકો (૩૧૦ છોકરા અને ૨૨૧ છોકરીઓ) તેમજ ૧,૧૨૧ પુખ્ત વ્યક્તિઓ (૬૭૬ પુરુષ અને ૪૪૫ સ્ત્રીઓ) મળી કુલ ૧,૬૫૨ લોકોને શોધી કાઢી તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવી માનવીય કાર્ય કર્યું છે.






