Thursday, October 15, 2026
HomeGujaratમોરબીના લખધીરવાસ ચોકમાં આજથી ભવ્ય દુર્ગાપૂજા મહોત્સવનો આજે રાત્રીથી પ્રારંભ:21 ઓક્ટોબર સુધી...

મોરબીના લખધીરવાસ ચોકમાં આજથી ભવ્ય દુર્ગાપૂજા મહોત્સવનો આજે રાત્રીથી પ્રારંભ:21 ઓક્ટોબર સુધી યોજાશે વિવિધ ધાર્મિક કાર્યક્રમો

ધી બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટી દ્વારા નવમા વર્ષે આયોજન, ડૉ. જયંતીભાઈ ભાડેશિયાના હસ્તે પંડાલનું ઉદ્ઘાટન કરાશે

- Advertisement -
- Advertisement -

મોરબી: મોરબીના લખધીરવાસ ચોક ખાતે ધી બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટી દ્વારા મા દુર્ગાની આરાધનાના પર્વ એવા ભવ્ય દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા નવ વર્ષથી પરંપરાગત રીતે યોજાતા આ મહોત્સવનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરાયું છે. તા. 15 ઓક્ટોબરથી શરૂ થઈને વિજયાદશમી સુધી ચાલનારા આ મહોત્સવમાં માતાજીની પૂજા-અર્ચના, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

મહોત્સવના પ્રારંભે તા. 15 ઓક્ટોબર, ગુરુવારના રોજ રાત્રે 8:30થી 9:30 વાગ્યા દરમિયાન પશ્ચિમ ક્ષેત્ર સંઘ પ્રમુખ ડૉ. જયંતીભાઈ ભાડેશિયાના હસ્તે દુર્ગાપૂજા પંડાલનું રિબન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ દીપમાળા પ્રજ્વલિત કરી પૂજાનો શુભ પ્રારંભ કરવામાં આવશે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો તેમજ મહાનુભાવો પણ દર્શનાર્થે ઉપસ્થિત રહેશે.

દુર્ગાપૂજા મહોત્સવમાં મા દુર્ગાની સાથે બુદ્ધિના દેવતા ગણેશજી, બળના દેવતા કાર્તિકેય સ્વામી, જ્ઞાનની દેવી સરસ્વતી અને ધન-ઐશ્વર્યની દેવી લક્ષ્મીજીની પૂજા-અર્ચના કરવામાં આવશે. આ સાથે મહિષાસુરમર્દિની મા દુર્ગાની આરાધના, સ્તુતિ અને આરતી દ્વારા ભક્તિમય માહોલ સર્જાશે.

દુર્ગાપૂજા એ માત્ર એક પ્રદેશ કે પ્રાંત પૂરતો મર્યાદિત ઉત્સવ નથી, પરંતુ વિવિધ સમાજો અને સમુદાયોને એકસાથે જોડતો સાંસ્કૃતિક અને ધાર્મિક મહોત્સવ છે. બંગાળની સમૃદ્ધ પરંપરા અને ભારતીય સંસ્કૃતિના સમન્વય સમાન આ ઉત્સવ દેશ-વિદેશમાં ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા કોલકાતાની દુર્ગાપૂજાને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સ્થાન આપવામાં આવ્યું છે.

દરરોજ મહાઆરતી, વિજયાદશમીએ વિસર્જનયાત્રા

આ મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે 8થી 9 વાગ્યા સુધી મહાઆરતીનું આયોજન કરવામાં આવશે. વિજયાદશમીના પાવન દિવસે તા. 21 ઓક્ટોબરના રોજ સાંજે 5 વાગ્યા પછી લખધીરવાસ ચોક ખાતેથી માતાજીની વિસર્જનયાત્રા નીકળશે.

ધી બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટીના સભ્યો દ્વારા મહોત્સવની સફળતા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આયોજકો દ્વારા મોરબીની જનતાને આ ભવ્ય દુર્ગાપૂજા મહોત્સવમાં ઉપસ્થિત રહી મા દુર્ગાનાં દર્શન અને ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.દુર્ગાપૂજા મહોત્સવ અંગે વધુ માહિતી માટે મોહિતભાઈ (કાર્તિક) રાવલનો મોબાઈલ નંબર 7990215099 પર સંપર્ક કરી શકાય છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!