અચાનક ડમ્પર રોડ ઉપર આવી જતા બાઇકની અથડામણ, એકને ફેક્ચર, બીજાને આંતરિક ઇજા.
હળવદ-મોરબી રોડ પર આંદરણા ગામ નજીક ડમ્પર ચાલકની બેદરકારીના કારણે બાઇક ડમ્પર સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં બાઇક સવાર બે સગા ભાઈઓ ઘાયલ થયા હતા. અકસ્માતમાં એક ભાઈને હાથમાં ફેક્ચર અને બીજા ભાઈને પેશાબની નળીમાં આંતરિક ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, દેવજીભાઈ રાજુભાઇ સારલા ઉવ.૧૯ રહે. રણછોડગઢ તા.હળવદ વાળા પોતાના નાનાભાઈ અલ્પેશ સાથે હોન્ડા કંપનીના મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એબી-૨૧૫૭ ઉપર દવા લેવા માટે મોરબી તરફ જઈ રહ્યા હતા ત્યારે આંદરણા અને નીચી માંડલ ગામ વચ્ચે Q7 સિરામિક કારખાનાની સામે પહોંચતા ટ્રક ડમ્પર રજી.નં. જીજે-૩૬-એક્સ-૧૧૩૬ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી અચાનક રોડમાં આડું ઉતરતા બાઇક ડમ્પર સાથે અથડાઈ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં બંને ભાઈઓ રોડ પર પટકાયા હતા. જેમાં દેવજીભાઈને જમણા હાથમાં કોણી ઉપર ફેક્ચર થયું હતું, જ્યારે અલ્પેશને પેશાબની નળીમાં ઇજા પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ દેવજીભાઈની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





