મોરબી: શહેરમાં પડેલા ભારે વરસાદ દરમિયાન મોરબી મહાનગરપાલિકા દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ સતત મોનીટરીંગ કરીને વિવિધ વિભાગોને સક્રિય રાખ્યા હતા.
મનપા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ભારે વરસાદને કારણે શહેરમાં અંદાજે ૭૫૦ લોકો અસરગ્રસ્ત બન્યા હતા. અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ૨ શેલ્ટર હોમ કાર્યરત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૨૧૫ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું તેમજ જરૂરિયાતમંદોને ૧,૫૦૦ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાહત કામગીરી માટે શહેરના ૧૩ વોર્ડમાં ૧૩ ક્વિક રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી હતી. ફાયર વિભાગના ૪૧ જવાનોને કામગીરી માટે મૂકવામાં આવ્યા હતા, જ્યારે SDRFની એક ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. શહેરમાં સ્વચ્છતા અને પાણીના નિકાલની કામગીરી માટે ૫૫૨ સફાઈ કર્મચારીઓ પણ સતત કાર્યરત અને સ્ટેન્ડબાય રહ્યા હતા. વિવિધ વિભાગોના મળીને ૭૦૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને ઇમરજન્સી કામગીરી માટે તૈયાર રાખવામાં આવ્યા હતા.
રેસ્ક્યુ અને રાહત કામગીરી માટે મનપાએ પૂરતા પ્રમાણમાં સાધનસામગ્રી પણ તૈયાર રાખી હતી. જેમાં ૩ રેસ્ક્યુ બોટ, ૩ ડી-વોટરિંગ પંપ, ૧ ક્વિક રિસ્પોન્સ યુનિટ, ૬ ફાયર ફાઇટર વાહનો, ૨ જેટિંગ કમ સક્શન મશીન, ૫૫ ટ્રેક્ટર અને ૫ જેસીબી મશીન સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા.
મનપાના જણાવ્યા મુજબ ભારે વરસાદની પરિસ્થિતિમાં વિવિધ વિભાગો વચ્ચે સુમેળભરી કામગીરીના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત પહોંચાડવામાં આવી અને નાગરિકોની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા હતા.






