હળવદ તાલુકાના ખોડ ગામની સીમમાં પોલીસે રેડ પાડી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી. સ્થળ પરથી ગરમ આથો, ઠંડો આથો અને તૈયાર દેશી દારૂ મળી કુલ રૂ. ૧.૦૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે હળવદ પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
હળવદ તાલુકાના ખોડ ગામની સીમમાં ગામોદુ તરીકે ઓળખાતા તળાવની પાળ પાસે બાવળની ઝાડીમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલતી હોવાની મળેલ માહિતીના આધારે પોલીસે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન સ્થળ પરથી દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો ૧૦૦ લીટર ગરમ આથો, ૧૫૫૦ લીટર ઠંડો આથો તેમજ ૩૨૫ લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ.૧,૦૬,૨૫૦/-નો મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે પોલીસ રેઇડ દરમ્યાન સ્થળ પર કોઈ આરોપી હાજર મળી આવ્યો નહોતો. જેથી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.






