મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મહિલા કમિશનર તરીકે સંગીતા રૈયાણીએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતા જ તેમણે શહેરના વિકાસ, સ્વચ્છતા અભિયાન અને પ્રી-મોન્સૂન કામગીરીને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી.
મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મહિલા કમિશનર તરીકે સંગીતા રૈયાણીએ આજે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળી લીધો છે. તેઓ વર્ષ ૨૦૨૦માં આઈએએસ તરીકે બઢતી પામ્યા હતા. ચાર્જ સંભાળ્યા બાદ સંગીતા રૈયાણીએ જણાવ્યું હતું કે મોરબી ભૌગોલિક રીતે વિશાળ શહેર છે અને અહીં વિકાસના અનેક કાર્યો હજુ બાકી છે. શહેરમાં સફાઈ, પાણી, ગટર, રસ્તા અને અન્ય પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા પર ભાર મુકવામાં આવશે. તેમણે મેયર, સ્ટેન્ડિંગ કમિટી અને નવી બોડી સાથે તાલમેલ સાધી મોરબીને રાજકોટ સમકક્ષ વિકસાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
વધુમાં તેમણે આગામી બે મહિનામાં શહેરમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની જાહેરાત કરી હતી. સાથે જ ચોમાસા પૂર્વેની પ્રી-ડિઝાસ્ટર અને પ્રી-મોન્સૂન કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમણે નાગરિકોને પણ શહેરની સ્વચ્છતા જાળવવામાં અને વહીવટી તંત્રને સહયોગ આપવા અપીલ કરી હતી.






