અમદાવાદમાં રહેતા પરિવારની ગેરહાજરીનો લાભ લઈ ચોરી કરી.
વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે બંધ મકાનનું તાળું તોડી રૂ.૭૦ હજારના તાંબા-પિત્તળના વાસણોની ચોરીના બનાવ અંગે મહિલાએ પોતાના સગા દિયર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પ્રથમ અરજી બાદ વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદમાં દિલ્લીવાળી ચાલ શહેરકોટડામાં રહેતા અને મૂળ ઢુંવા ગામના વતની મીનાબેન હદાભાઈ સાગઠીયાએ આરોપી તરીકે તેમના સગા દિયર દીપકભાઈ પાલાભાઈ સાગઠીયા વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ મુજબ, તેઓ પરિવાર સાથે ૨૫ ફેબ્રુઆરીના રોજ ઢુંવા સ્થિત પોતાના મકાનને તાળું મારી અમદાવાદ ગયા હતા. બાદમાં ૩૦ માર્ચના રોજ કુટુંબી નણંદે ઘરનું તાળું તૂટેલું હોવાનું જાણ કરી હતી, જે બાદ ૧૫ એપ્રિલના રોજ ઢુંવા ગામે ઘરમાં તપાસ કરતા અંદાજે રૂ. ૭૦ હજારના તાંબા-પિત્તળના તમામ વાસણો ગાયબ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પડોશીઓએ તેમના દિયર આરોપી દિપકભાઈ પાલાભાઈ સાગઠીયાએ તાળું તોડી વાસણો લઈ ગયા હોવાનું જણાવ્યું હતું, જેથી ફરિયાદી મીનાબેને પહેલા વાંકાનેર પોલીસમાં અરજી કરી હતી. ત્યારબાદ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં કેસ વાંકાનેર વિસ્તારનો હોવાથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.






