ત્રણ દીકરીઓ હોવાના મુદ્દે મેણાટોણા, ચારિત્ર્ય પર શંકા અને માનસિક-શારીરિક ત્રાસથી કંટાળી નોંધાવી ફરિયાદ.
મોરબીમાં રહેતા શિક્ષિકાએ પતિ, સાસુ-સસરા, જેઠ અને નણંદ સામે લગ્નજીવન દરમિયાન સતત માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ત્રણ દીકરીઓ હોવાના મુદ્દે મેણાટોણા, ચારિત્ર્ય અંગે શંકા અને અવારનવાર ઝઘડા થતાં કંટાળીને પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરી પક્ષના સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં બાપા સીતારામ ચોક નજીક આનંદ સ્ટેશનરીની બાજુમાં શ્રીરામ સોસાયટી વિસ્તારમાં રહેતા અને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ૪૩ વર્ષીય પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં આરોપી બ્રિજેશભારથી કિશોરભારથી ગોસ્વામી, હંસાબેન કિશોરભારથી ગોસ્વામી, કિશોરભારથી લાલભારથી ગોસ્વામી, ધર્મેશભારથી કિશોરભારથી ગોસ્વામી તમામ રહે. શ્રીરામ સોસાયટી મોરબી તથા આરોપી નિરાલીબેન રીતેશપરી ગોસ્વામી રહે.આદિપુર તા.ગાંધીધામ જી.કચ્છ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ફરિયાદીના વર્ષ ૨૦૦૯માં લગ્ન બાદ શરૂઆતમાં સાસરીયાઓએ સારી રીતે રાખ્યા હતા, પરંતુ ત્યારબાદ ઘરકામ અને અન્ય નાની-મોટી બાબતોને લઈને અવારનવાર ઝઘડા શરૂ થયા હતા.
ત્રણ દીકરીઓ જ હોય દીકરો ન હોવાના મુદ્દે પતિ, સાસુ, સસરા,જેઠ અને નણંદ દ્વારા સતત મેણાટોણા મારવામાં આવતા હતા. ઉપરાંત પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવા બાબતે પતિ દ્વારા ઝઘડા કરવામાં આવતા હતા તેમજ ફરિયાદીના ચારિત્ર્ય પર શંકા કરી ચોરીના ખોટા આક્ષેપો પણ મૂકવામાં આવતા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાજેતરમાં ૯ જૂનના રોજ ઘરેલુ બાબતોને લઈને થયેલા ઝઘડામાં ૧૮૧ અભયમ અને ૧૧૨ની મદદ લેવી પડી હતી. કાઉન્સેલિંગ છતાં સમાધાન ન થતાં પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






