બહેન રીસામણે હોવાનો ખાર રાખી આરોપીએ યુવકને છાતીના ભાગે પથ્થર મારી ઇજા પહોંચાડી.
મોરબીના વિશીપરા વિસ્તારમાં કુટુંબી ભાઈની પત્ની રીસામણે હોવા અંગેના મનદુઃખને લઈને એક યુવક ઉપર પથ્થરથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના વિશીપરા મદીના સોસાયટીમાં રહેતા અને કુરિયર સર્વિસનું કામ કરતા શાહરુખભાઈ જુસબભાઈ સંધવાણી ઉવ.૩૧એ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મહેબૂબભાઈ ઇકબાલભાઈ ભટ્ટી રહે.વિશીપરા મદીના સોસાયટી વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની બહેનના લગ્ન આરોપીના મોટાબાપુના દીકરા સાથે થયા હતા અને છેલ્લા એક વર્ષથી બહેન રીસામણે હોવાથી બંને પરિવારો વચ્ચે મનદુખ ચાલતું હતું. તેનો ખાર રાખી ગત તા. ૩ જૂનના રોજ વહેલી સવારે ફરિયાદી નગર દરવાજાએ શાકભાજી લેવા જતા હતા. તે દરમિયાન વિશીપરા મેઈન રોડ પર શિવશક્તિ મેડિકલ સામે પહોંચતા આરોપી મહેબુબભાઈ ઇકબાલભાઈ ભટ્ટી સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ આરોપી મહેબુબભાઈએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી શાહરુખભાઈને પથ્થરનો ઘા છાતીના ભાગે મારી ઇજા પહોંચાડી હતી. બાદમાં જતા જતા ‘હવે પછી ભેગો થઈશ તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી નાસી ગયો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






