લગ્ન ખર્ચના પાંચ લાખ રૂપિયાની માંગ સાથે માનસિક અને શારીરિક ત્રાસ, મોરબી મહિલા પોલીસમાં ગુનો નોંધાયો.
મોરબી મહિલા પોલીસ મથકે પરિણીતાની ફરિયાદના આધારે પતિ, સાસુ અને મોટા સસરા સામે દહેજ માટે શારીરિક-માનસિક ત્રાસ આપ્યા અંગે ગુનો નોંધાયો છે. લગ્નમાં થયેલા ખર્ચમાંથી પાંચ લાખ રૂપિયા પિયર પક્ષ પાસેથી લાવવા દબાણ કરી સતત માનસિક અને શારીરિક ત્રાસ આપતા ભોગ બનનાર પરિણીતાએ એસિડ પી લેતા મોરબી, રાજકોટ બાદ અમદાવાદમાં સારવાર ચાલુ હોય, હાલ પોલીસે ત્રણેય આરોપીઓ સામે દહેજ પ્રતિબંધ ધારા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.
હળવદ તાલુકાના માથક ગામે રહેતા સોનલબેન વાઘજીભાઈ રાઠોડે મોરબી મહિલા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના લગ્ન ગત તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ મોરબી વિશીપરા ગુજરાત સોસાયટી ખાતે રહેતા ભરત બાબુભાઈ ચાવડા સાથે જ્ઞાતિના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ બાદમાં પતિ ભરત બાબુભાઇ ચાવડા, સાસુ લીલાબેન બાબુભાઇ ચાવડા તથા મોટા સસરા પરષોતમભાઈ ડાયાભાઇ ચાવડાએ લગ્નમાં આઠ લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું કહી તેમાંથી પાંચ લાખ રૂપિયા પિતા પાસેથી લાવવા દબાણ શરૂ કર્યું હતું. ત્યારે પરિણીતાએ પિતા પાસેથી રૂપિયા માંગવાની ના પાડતા સાસરિયાઓએ લગ્નમાં અપાયેલા ઘરેણાં લઈ લીધા હતા અને નાની-નાની બાબતે ઝઘડા કરી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા.
વધુમાં, ગત તા. ૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ ફરી લગ્ન ખર્ચના રૂપિયા બાબતે ઝઘડો થયો હતો. દરમિયાન સાસુએ પિયર અંગે અપમાનજનક શબ્દો બોલ્યા હતા અને પતિએ ઝાપટ મારી હતી. ઉપરાંત રૂપિયા નહીં મળે તો પિતાને જાનથી મારી નાખવાની ધમકી અપાતા માનસિક રીતે પડી ભાંગેલ સોનલબેને ઘરમાં પડેલી એસિડની બોટલમાંથી બે-ત્રણ ઘૂંટડા પી લીધા હતા. ત્યારબાદ પરિવારજનોએ પહેલા મોરબી અને બાદમાં રાજકોટ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. હાલ પરિણીતાની સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે મોરબી મહિલા પોલીસે આરોપી પતિ ભરત ચાવડા, સાસુ લીલાબેન તથા મોટા સસરા પરષોતમભાઈ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






