ભાઈ સાથેના ઝઘડાનો બદલો લેવા ફોન પર જાનથી મારવાની ધમકી, સ્કોર્પિયોથી ક્રેટા કાર સાથે અનેકવાર ટક્કર મારી.
મોરબીના વીસીપરા વિસ્તારમાં બોલાચાલીનો ખાર રાખી એક યુવકને પહેલા ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી અને બાદમાં તેની કાર સાથે અન્ય કાર અથડાવીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. બનાવમાં આરોપીએ નંબર વગરની સ્કોર્પિયો કારથી ફરિયાદીના મિત્રની ક્રેટા કારને બે-ત્રણ વખત અથડાવી ભારે નુકસાન કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને યુવકની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના વીસીપરા કુલીનગર-૧માં રહેતા શાહરૂખભાઈ ફીરોજભાઈ પઠાણ ઉવ.૩૨ દ્વારા આરોપી સાજીદભાઈ સાઉદીનભાઈ જેડા રહે. યમુનાનગર મોરબી વાળા સામે નોંધાવાયેલી ફરિયાદ મુજબ તા.૧૭ એપ્રિલે માળીયા ફાટક નજીક આરોપીના ભાઈ નુરમામદ સાઉદીનભાઈ જેડા સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનો ખાર રાખી, બીજા દિવસે નુરમામદના ભાઈ આરોપી સાજીદ જેડાએ ફોન કરીને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ તા.૨૦ એપ્રિલે સાંજે ફરિયાદી શાહરૂખભાઈ પોતાના મિત્રની ક્રેટા કાર રજી.નં. જીજે-૩૬-એઆર-૪૧૪૩ લઈને વીસીપરા મેઇન રોડ પર જતા હતા ત્યારે આરોપી સાજીદ જેડા નંબર વગરની કાળી સ્કોર્પિયો લઈને આવી તેમની કાર સાથે બે-ત્રણ વખત ટક્કર મારી, ડ્રાઇવર સાઇડના દરવાજા, પાછળનો ભાગ અને આગળના બમ્પરમાં નુકસાન પહોંચાડ્યું હતું. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









