મોરબીના વાવડી રોડ ઉપર કપીલા હનુમાનજીના મંદીર પાસે ઇન્સ્ટાગ્રામમા સ્ટોરી મુકવા મામલે યુવાન ઉપર ચાર શખ્સોએ લોખંડના પાઈપથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઉપરાંત આ યુવાનને છોડાવવા જતા તેની સાથે રહેલા વ્યક્તિને પણ ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના મોરબી મહેન્દ્રપરા શેરી નં-૭ ખાતે રહેતા બસીરભાઈ યુસુફભાઈ શાહમદાર નામના યુવકના મિત્રનો આજથી છએક માસ પહેલા ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી મુકવા બાબતે ઝઘડો થયેલ હોય જેના ખાર રાખી ગઈકાલે નવાબભાઈ ફત્તેમહમંદભાઈ કટીયા, બાબા સામતાણી, સાજીદ જેડા તથા અશરફભાઈ સોહિનભાઈ જેડા (તમામ રહે.મોરબી વીશીપરા જલ જલા પાન પાસે મોરબી) નામના શખ્સોએ યુવકના મિત્ર પર હુમલો કર્યો હતો. જેમાં નવાબભાઈ ફત્તેમહમંદભાઈ કટીયાએ પોતાના હાથમાં રહેલ લોખંડની પાઈપનો એક ઘા સાહેદના માથામાં મારવા જતા સાહેદે તેનો ડાબો હાથ આડો કરતા તેના ડાબા હાથના અંગુઠાની બંન્ને આંગણીઓમાં ઈજા કરેલ અને બાબા સામતાણીના હાથમાં રહેલ લાકડાનો ધોકા વતી એક ઘા સાહેદના જમણા ખભાના પાછળના ભાગે મારતા મુંઢ ઈજા કરેલ તથા સાજીદ જેડાના હાથમાં રહેલ લાકડાના ધોકા વતી સાહેદના ડાબા પગની પીન્ડી ઉપર એક ઘા મારતા તેને પણ મુંઢ ઈજા કરતા ફરિયાદી વચ્ચે પડી છોડાવવા જતા આરોપીઓએ ફરિયાદી યુવકને પણ લાતો ઢીંકા પાટુનો માર મારી બંનેને જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.