માર્ગના વિવાદનો ખાર રાખી કુટુંબીઓનો મધરાતે હુમલો, કુહાડી અને ધોકા વડે ઘરવખરીને નુકસાન, જાનથી મારી નાખવાની ધમકી.
હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે માર્ગના જૂના વિવાદને લઈને આશરે ૬ જેટલા આરોપીઓએ મધરાતે યુવકના ઘરમાં ઘૂસી તોડફોડ કરી હતી. આ સાથે કુહાડી અને લાકડાના ધોકા વડે ઘરવખરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. હાલ સમગ્ર બનાવ મામલે ભોગ બનનાર પરિવારની મહિલા દ્વારા હળવદ પોલીસ મથકમાં ૬ ઈસમો સામે ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, સુરજબેન રાજુભાઈ વજાભાઈ સોલંકી ઉવ.૩૬ રહે.સુંદરીભવાની ગામ તા. હળવદ વાળાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે, છેલ્લા ત્રણ વર્ષથી તેમના કુટુંબી આરોપી જીલ્લાભાઈ સાથે માર્ગ બાબતે વિવાદ ચાલતો હોય તે બાબતે ગત તા.૨૯/૦૪ના રોજ ફરિયાદીના પતિ રાજુભાઇ સાથે આરોપી જીલ્લાભાઈ સાથે બોલાચાલી ઝઘડો થયો હોય તેનો ખાર રાખી ગઈકાલ તા.૦૨/૦૫ની મધરાતે આશરે ૨ વાગ્યે આરોપીઓ જીલ્લાભાઇ બાવલભાઇ સોલંકી, પ્રતાપભાઈ જીલ્લાભાઈ સોલંકી, ઘનશ્યામભાઇ બાવલભાઇ સોલંકી તથા ત્રણ અજાણ્યા ઇસમો બધા રહે. ગામ સુંદરીભવાની વાળા કુહાડી અને ધોકા લઈને તેમના ઘરે ધસી આવ્યા હતા અને તોડફોડ કરી હતી. આરોપીઓએ ઘરમાં પ્રવેશ કરી બાથરૂમના દરવાજા, પાણીની ગેંડી, ફ્રિજ, ઘરઘંટી, ડ્રેસિંગ ટેબલ અને કબાટના કાચમાં તોડફોડ કરી આશરે રૂ. ૩૦,૦૦૦નું નુકસાન કર્યું હતું. સાથે જ ફરિયાદીના પતિને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા જીપી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.





