મોરબી જિલ્લામાં વધુ એક કાળમુખા ડમ્પરે વૃદ્ધાને કચડી નાખી તેનો ભોગ લીધો હતો. આ અંગે જાણવા મળતી વિગત અનુસાર આજે વહેલી સવારે માળીયા(મી.) માં જુના ઘાટીલા ગામે રહેતા શાંતિબેન ધુળાભાઈ ઉપાસરિયા નામના ૮૦ વર્ષીય વૃદ્ધા કુદરતી હાજતે ગયા હતા જે બાદ પરત ફરી રહ્યા હતા આ વેળાએ માટેલા સાંઢની માફક આવતા ડમ્પરના ચલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દઇ વૃદ્ધાને અડફેટે લીધા હતા. આ ગોઝારા અકસ્માતમાં વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે જાણ થતા ગ્રામજનો દોડી આવતા લોકોના ટોળે ટોળાના દ્રશ્યો સર્જાયા હતા અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ જતા ડમ્પર ચાલક ડમ્પર રેઢું મૂકીને નાશી ગયો હતો. આ અંગે સ્થાનિક પોલીસે પણ દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.