ખેડૂતોને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા અપીલ: ૧૫ જૂને ટ્રેક્ટર સાથે ગાંધીનગર કૂચનું આહ્વાન.
મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂતો દ્વારા ચાલી રહેલા પ્રતીક ઉપવાસ આંદોલનની છાવણીની મુલાકાતે આવેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ખેડૂતો, મજૂરો અને ગરીબ વર્ગની અવગણના થઈ રહી હોવાનું જણાવી ૧૫ જૂને ટ્રેક્ટર સાથે ગાંધીનગર પહોંચવા ખેડૂતોને હાંકલ કરી હતી.
મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂતો દ્વારા જમીન અને વળતરના પ્રશ્નોને લઈને ચાલી રહેલા પ્રતીક ઉપવાસ છાવણીની ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પાલભાઈ આંબલિયા, મહેશ રાજકોટિયા, પંકજ રાણસરિયા, મનોજ પનારા સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન ખેડૂતો સાથે સંવાદ કરી તેમની માંગણીઓ અંગે માહિતી મેળવી હતી. ખેડૂતોને સંબોધતા જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે દેશમાં મોટા ઉદ્યોગપતિઓની સંપત્તિ સતત વધી રહી છે, જ્યારે ખેડૂતો, મજૂરો અને સામાન્ય વર્ગ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમણે ખેડૂતોને પૂરતા ટેકાના ભાવ ન મળતા હોવાનો મુદ્દો ઉઠાવી આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથામાં કામદારોના શોષણનો પણ આક્ષેપ કર્યો હતો.
મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે સરકારની ટીકા કરતા તેમણે જણાવ્યું હતું કે ગેસ, પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ, શિક્ષણ, આરોગ્ય અને ખેતીના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે ખેડૂતોની આવકમાં તે પ્રમાણમાં વધારો થયો નથી. તેમણે સરકારી આરોગ્ય સેવાઓની સ્થિતિ અને વિવિધ જાહેર પ્રશ્નોનો પણ ઉલ્લેખ કર્યો હતો. અંતમાં જીગ્નેશ મેવાણીએ ખેડૂતોને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી પોતાની લડત ચાલુ રાખવા અપીલ કરી હતી. સાથે જ ૧૫ જૂને ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને ટ્રેક્ટર સાથે ગાંધીનગર પહોંચવા આહ્વાન કરી આંદોલનને વધુ મજબૂત બનાવવાની હાકલ કરી હતી.






