મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમે વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં કોમ્બિંગ અને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે, કાર ચાલક રાત્રિના અંધકારનો લાભ લઈ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડ ની ટીમને બાતમી મળી હતી કે સફેદ રંગની ક્રેટા કાર (રજિસ્ટ્રેશન નં. GJ-01-RY-9981)માં વિદેશી દારૂનો જથ્થો ભરી વાંકાનેર તરફથી વાલાસણ તરફ લઈ જવાઈ રહ્યો છે. જેના આધારે એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમે વાલાસણ ગામ નજીક રોડ પર વોચ ગોઠવી હતી.
દરમિયાન શંકાસ્પદ કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલકે વાહન ઉભું રાખવાને બદલે પૂરઝડપે દોડી કોટડા-નાયાણી ગામ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ ટીમે સરકારી વાહન સાથે ફિલ્મી અંદાજમાં પીછો શરૂ કર્યો હતો.પીછા દરમિયાન કાર ચાલકે કોટડા-નાયાણી રોડ પર નદીના પટ્ટ વિસ્તારમાં કાર મૂકીને રાત્રિના અંધકારનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.ત્યારબાદ પોલીસે કારની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની કુલ 836 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 3.10 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત ક્રેટા કાર અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ. 8.10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસે ફરાર કાર ચાલક તેમજ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી મોરબી એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી, પેરોલ-ફર્લો સ્કવોડ, ટેકનિકલ ટીમ તથા સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત રીતે પાર પાડી હતી.






