લૂંટમાં ગયેલ મોટરસાયકલ, રોકડા રૂપિયા અને છરી સાથે એ ડિવિઝન પોલીસની કાર્યવાહી, એક આરોપી પકડાયો, એક પોલીસ પકડથી દૂર.
મોરબીમાં વેપારીને લીફ્ટના બહાને અંધારી ગલ્લીમાં લઈ જઈ છરીની અણીએ લૂંટ કરનાર આરોપીઓ પૈકી એક આરોપીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે. આ સાથે આરોપી પાસેથી લૂંટ કરેલ બાઈક, રોકડા રૂપિયા અને હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે.
મોરબીમાં છરીની અણીએ વેપારીને લૂંટનાર લિસ્ટેડ આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો
મોરબીમાં લૂંટની ઘટનામાં પોલીસે ઝડપી કામગીરી કરી ગણતરીના કલાકોમાં જ લિસ્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભુરારામ નરશીરામ ચૌઘરી (રહે. યમુનાનગર-૨ ન્યૂ શ્રદ્ધાપાર્ક નવલખી રોડ મોરબી મૂળ રહેવાસી રાજસ્થાન વાળા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, બે શખ્સોએ લીફ્ટ માગી તેમના બાઈકમાં બેસી અંધારી ગલ્લીમાં લઈ જઈ છરી બતાવી તેમનું હોન્ડા સાઇન મોટરસાયકલ તથા રૂપિયા ૧૫,૦૦૦ લૂંટી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ જિલ્લા પોલીસવડા મુકેશકુમાર પટેલની સૂચના હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શનમાં સીટી એ ડિવિઝન પીઆઈ વાય.બી. જાડેજાની ટીમે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સીસના આધારે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન આરોપી કુલદિપસિંગ ઉર્ફે કાલી ધવલસિંગ ખીચી ઉવ.૨૬ રહે. લાયન્સનગર મોરબી વાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી લૂંટમાં ગયેલ હોન્ડા સાઇન રજી.નં. જીજે-૦૩-ઈક્યુ-૩૮૮૧, રૂપિયા ૧૦,૦૦૦ રોકડા અને બનાવમાં ઉપયોગમાં લેવાયેલી છરી કબ્જે કરવામાં આવી હતી. આ બનાવમાં સંડોવાયેલ મુખ્ય આરોપી દેવાસિંગ ભરતસિંગ સરદારજી હાલ ફરાર છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપી સામે અગાઉ પણ પ્રોહીબિશન અને જીપી એક્ટ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે, હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.





