મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને ડીવાયએસપી રાધીકા ભારાઈની સૂચનાને પગલે હાલ જિલ્લાભરમાં હોળી-ધુળેટી નિમિતે દારૂની પ્રવૃતિઓ નાબૂદ કરવા ઉપર પોલીસની ખાસ ઝુંબેશ ચાલી રહી છે અને જિલ્લાભરમાં દારૂના બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે માળીયાના મોટા દહીંસરા ગામે રહેતા બુટલગેર સામે અનેક ગુન્હા નોંધાયેલા હોય અને આ ગુન્હામાં ફરાર હોવાથી એસપીએ ધુળેટીની ખાસ ડ્રાઈવના અનુસંધાને તેને ઝડપી લેવાની માળીયા પોલીસને સૂચના આપી હતી. જેના પગલે માળીયા પોલીસ સ્ટાફે બાતમીના આધારે અજયસિંહ ભાવુભા જાડેજા (ઉ.વ.૨૯, રહે.મોટા દહીંસરા, દરબાર શેરી) ના રહેણાંક મકાને દોરડો પાડ્યો હતો. જેમાં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશીદારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલો નંગ ૩૬૭ (કિં.રૂ. ૧,૪૭,૬૦/-) તથા બીયર ટીન નંગ-૧૨૦ (કિં.રૂ. ૧૨,૦૦૦/-) મળી કુલ કિં.રૂ. ૧,૫૯,૬૦૦/- નો મુદામાલ તેમજ એક ગેરકાયદે પિસ્તોલ (કિં.રૂ.૧૦,૦૦૦/-) અને એક કારતુસ(કિં.રૂ.૧૦૦/-) કુલ કિં.રૂ.૧૦,૧૦૦/- મળી આવ્યા હતા. આથી, પોલીસે આ તમામ મુદામાલ સાથે આરોપીને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની તપાસમાં આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ સામે આવ્યો હતો. જેમાં તેની સામે 15 જેટલા નાના મોટા ગુન્હા નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું.