દીકરીની સગાઈ તોડી નાખ્યાનો ખાર રાખી ત્રણ શખ્સોએ આધેડને માર માર્યો.
મોરબીના પચ્ચીસ વારીયા વિસ્તારમાં રહેતા શેરમામદભાઈ બ્લોચ માળીયા(મી) તાલુકાના વવાણિયા ગામે ઉર્ષના મેળામાં ગયા હતા ત્યારે તેમની દીકરીની અગાઉ તૂટેલી સગાઈનો ખાર રાખી આરોપી મહેબુબભાઈ બ્લોચ, સિંકદર બ્લોચ અને અરમાન બ્લોચે ગાળો આપી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી, ધોકાથી મોઢા પર હુમલો કરતાં હોઠ પર ઈજા થઈ હતી બનાવ મામલે માળીયા(મી) પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, મોરબીના પચ્ચીસ વારીયા વિસ્તારમાં રહેતા શેરમામદભાઈ બ્લોચ ઉવ.૪૨એ માળીયા(મી) પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ફરિયાદી શેરમામદભાઈ બ્લોચની દીકરીની સગાઈ અગાઉ વીસીપરામાં રહેતા સિંકદર બ્લોચ સાથે થઈ હતી, પરંતુ તેને દારૂ પીવાની ટેવ હોવાના કારણે પરિવારે સગાઈ તોડી નાખી હતી. આ બાબતનો ખાર રાખી ગત ૨૫ ઓક્ટોબરે વવાણિયા ગામે સમંશાપીરની દરગાહના ઉર્ષના મેળામાં મહેબુબભાઈ બ્લોચ અને તેના બે પુત્રો અરમાન તથા સિકંદરે ફરિયાદી શેરમામદભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપી ઝપાઝપી અને મારામારી કરી હતી. આ દરમિયાન આરોપી અરમાન બ્લોચે ધોકાથી મોઢા પર હુમલો કરતાં શેરમામદભાઈના હોઠ પર ઈજા થઈ હતી અને હોસ્પિટલમાં બે ટાંકા લેવા પડ્યા હતા. આ બનાવ અંગે ત્રણેય આરોપીઓ સામે માળીયા(મી) પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.






