મોરબીમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાનો અંત લાવવા શહેરના હાર્દ સમા મહેન્દ્રનગર ચોકડી પર ફલાય ઓવર બ્રીજ બનાવવા શહેરીજનોની વર્ષો જુની માંગ હતી જેને લઈને ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સવા બે કરોડના ખર્ચે ફ્લાઈ ઓવરબ્રિજના કામને મંજુર કરાવ્યું છે.
મોરબી શહેરના હાર્દસમા મહેન્દ્રનગર ચોકડી પર ફલાય ઓવર બ્રીજ અંદાજે રૂા.૧૯,૩૭,૪૬,૧૮૨/-ના ખર્ચે મંજુર થયેલ તે વધુ મજબુતીકરણ સાથે સારી કામગીરી થઇ શકે તે સારૂ વધારાના અંદાજે રૂા.૨,૨૩,૫૭,૬૩૯/-મંજુર કરાવીને હવે કુલ રૂા.૨૧,૬૧,૦૩,૮૨૨/-ના ખર્ચે સત્વરે કામગીરી હાથ ધરાય તે માટે મોરબી-માળીયા(મી)ના ધારાસભ્ય અને રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાએ માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે અનેકવાર સમયાંતરે મિટિંગો કરીને તથા અવારનવાર ટેલિફોનિક ફલોઅપ લઇને આ ફલાય ઓવર બ્રીજનું કામ મંજુર કરાવેલ છે. એટલુ જ નહિ પણ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાવીને વહેલામાં વહેલી તકે અંદાજે રૂપિયા ૨૧ કરોડ ૬૧ લાખના ખર્ચે આ કામ ચાલુ કરવામાં આવશે. મોરબી શહેરીજનોની વર્ષો થયા ટ્રાફિકની સમસ્યા નિવારવા અંગેની લાગણી સહ માંગણીનો અંત આવશે. પરિણામ સ્વરૂપ લોકોમાં હર્ષની લાગણી જોવા હતી. વધુમાં મોરબીના વિકાસ માટે સતત જહેમતશીલ રહેતા મંત્રી બ્રિજેશભાઈની કામગીરીથી લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.