સીટી બી ડિવિઝન પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કુલ ૬ શખ્સો સામે ગુનો નોંધ્યો.
મોરબીના વીસીપરા રોહીદાસપરામાં પ્રેમલગ્ન કરેલ યુવતી અને તેના પતિ પાડોશીના ઘરે આવતા-જતા હોય જે બાબતનું મનદુઃખ રાખી બે પાડોશી પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. જેમાં એક પક્ષે લોખંડના પાઇપ, લાકડી અને બેટ વડે હુમલો કર્યાનો, જ્યારે બીજા પક્ષે ઢીકાપાટુ મારવા અને ધમકી આપ્યા અંગે સીટી બી ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે બંને પક્ષના કુલ ૬ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં પ્રેમલગ્ન કરેલી યુવતી અને તેના પતિ પાડોશમાં રહેતા રમેશભાઈ સારેસાના ઘરે આવતા-જતા હોવાના મુદ્દે બન્ને પાડોશી પરિવારો વચ્ચે વિવાદ સર્જાયો હતો. આ મામલે બંને પક્ષોએ સીટી બી ડિવિઝન પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાવી છે. જેમાં પ્રથમ ફરિયાદમાં ભાવેશભાઈ મહેશભાઈ સારેસા ઉવ.૨૧ પોતાના કાકાના ઘરે હતા ત્યારે આરોપી ગૌતમભાઈ ત્રિભુવનભાઈ કાટીયા, મહેન્દ્રભાઈ વિરજીભાઈ કાટીયા, દેહાભાઈ લાલાભાઈ કાટીયા અને કેતનભાઈ નારણભાઈ કાટીયા ઘરમાં ઘૂસી આવ્યા હતા. ત્યારે આરોપી ગૌતમભાઈએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો, જ્યારે અન્ય આરોપીઓએ લાકડી, બેટ અને ઢીકાપાટુ વડે માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે સામે પક્ષે ફરિયાદી ત્રિભુવનભાઈ લાલજીભાઈ કાટીયા ઉવ.૫૮એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ પોતાના પરિવારજનો સાથે આરોપી રમેશભાઈ સારેસાના ઘરે પ્રેમલગ્ન કરેલ દીકરી-જમાઈને ઘરે ન આવવા દેવા સમજાવવા ગયા હતા, ત્યારે આરોપી રમેશભાઈ અંબાલાલ સારેસા અને ભાવેશભાઈ મહેશભાઈ સારેસાએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી. હાલ બી ડિવિઝન
પોલીસે બંને ફરિયાદોના આધારે કુલ છ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.






