વાંકાનેર તાલુકા પોલીસે વીડી જાંબુડીયા ગામ નજીકથી બાઇક ઉપર ૧ કિલો ૯૫૦ ગ્રામ માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈને નીકળેલ એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ સાથે વાંકાનેર તાલુકા પોલીસે કુલ રૂ.૧.૨૨ લાખના મુદ્દામાલ સાથે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસવડાની સૂચનાના અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા માદક પદાર્થો સામે ચલાવવામાં આવી રહેલી કાર્યવાહી દરમિયાન પૂર્વ બાતમીને આધારે વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામ નજીક મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એએન-૧૭૪૬ ઉપર આરોપી દેવરાજભાઈ મનજીભાઈ ચૌહાણ રહે. ચરાડવા ગામ તા.હળવદ વાળાને ગેરકાયદેસર રીતે ૧ કિલો ૯૫૦ ગ્રામ ગાંજો વેચાણના ઇરાદે લઈ જતા ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી પાસેથી રૂ.૯૭,૫૦૦/-ની કિંમતનો ગાંજાનો જથ્થો તથા રૂ.૨૫ હજારનું બાઇક એમ કુલ મળી રૂ.૧,૨૨,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






