સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકના એટ્રોસીટી અને મારામારીના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આ સાથે આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે સુરેન્દ્રનગર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના તેમજ મોરબી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને મળેલી હકીકતના આધારે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ એટ્રોસીટી તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૧૭(૨), ૩૫૨, ૫૪ મુજબના ગુનામાં સુનિલભાઈ દિલીપભાઈ વિરમગામી રહે. દુધરેજ વાણવાટી નગર સુરેન્દ્રનગર વાળો છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો હતો.
ત્યારે મળેલ બાતમીના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તેને મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાંથી ઝડપી લઈ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે સોંપવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






