કાર લોનનો હપ્તો ભરવા માટે ફોન-પે માં પ્રોસેસ કરાવવાના બહાને બે ટ્રાન્જેક્શનથી રકમ ઉપાડી લેવાઈ
મોરબી: પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી સાથે એક્સિસ બેંક કસ્ટમર કેરના કર્મચારી તરીકે ઓળખ આપી સાયબર ઠગાઈ કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. કાર લોનનો હપ્તો ભરવા માટે કરેલા ટ્રાન્જેક્શનની તપાસ કરાવવાના બહાને અજાણ્યા શખ્સે ફોન-પે માં પ્રોસેસ કરાવી ફરિયાદીના ખાતામાંથી કુલ રૂ.૯૪,૬૭૮/- અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મોબાઇલ નંબર ધારક તથા બેંક ધારક વિરુદ્ધ આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
મોરબીના જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા આનંદકુમાર ખીમજીભાઈ દેગામા ઉવ.૩૩નું વાંકાનેર-ચંદ્રપુર ખાતે એક્સિસ બેંકમાં પગાર ખાતું છે. ગત તા.૦૫/૦૯/૨૦૨૬ના રોજ તેમણે કાર લોનના હપ્તા માટે એક્સિસ બેંક ખાતામાંથી પોતાના એસબીઆઈ બેંક ખાતામાં રૂ.૧૫,૦૦૦/- ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ રકમ એસબીઆઈ ખાતામાં જમા ન થતાં તેમણે બીજા દિવસે ગુગલ પરથી એક્સિસ બેંક કસ્ટમર કેરનો નંબર શોધ્યો હતો.
જે બાદ મળેલા મોબાઇલ નંબર પર સંપર્ક કરતાં સામેના શખ્સે પોતે એક્સિસ બેંક કસ્ટમર કેરનો કર્મચારી હોવાનું જણાવી વોટ્સઅપ ઉપર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અન્ય મોબાઇલ નંબર પરથી વીડિયો કોલ કરી ફરિયાદીને ફોન-પે એપ્લિકેશન ખોલાવી, યુપીઆઈ-આઈડી નાખવાની પ્રોસેસ કરાવી અને પિન પણ દાખલ કરાવ્યો હતો. આ પ્રક્રિયા બાદ અટવાયેલા રૂ.૧૫,૦૦૦/- ખાતામાં જમા થઈ જશે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.
થોડા સમય બાદ ફરિયાદીના એક્સિસ બેંક ખાતામાંથી રૂ.૭૫,૬૫૫/- અને રૂ.૧૯,૦૦૧/- મળી કુલ રૂ.૯૪,૬૭૮/- ડેબિટ થઈ ગયા હતા. સાયબર ફ્રોડની જાણ થતાં ફરિયાદીએ તાત્કાલિક ૧૯૩૦ હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી. જેની તપાસમાં ઠગાઈની રકમ આસામના બારપેટા ખાતેના કેનેરા બેંકના ખાતામાં ટ્રાન્સફર થયાનું સામે આવ્યું હતું. બનાવ અંગે આરોપી બંને મોબાઇલ ધારક તથા બેંક ખાતા ધારક સામે બીએનએસ આઇટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.






