Monday, June 22, 2026
HomeGujaratસોમનાથથી પરત ફરતા મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી તપન દવે પર ડારી ટોલનાકાના...

સોમનાથથી પરત ફરતા મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી તપન દવે પર ડારી ટોલનાકાના કર્મચારીઓએ હુમલો કર્યો

ફાસ્ટેગ લાઇનમાં ખામીથી સર્જાયેલા ટ્રાફિક જામ દરમિયાન એમ્બ્યુલન્સને રસ્તો આપવા રજૂઆત કરતા ગાળાગાળી બાદ ૧૦થી ૧૨ શખ્સોએ હુમલો કર્યો, ટોલ પ્લાઝાના નિયમો અંગે લોકોને માહિતગાર કરવા અભિયાનની માંગ.

- Advertisement -
- Advertisement -

ગીર સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ મથકમાં ડારી ટોલનાકાના ૧૨ શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ.

મોરબી: સોમનાથ મહાદેવના દર્શન કરીને પરિવાર સાથે પરત ફરી રહેલા મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી તપન દવે ઉપર ડારી ટોલ પ્લાઝા પર સંચાલકો-કર્મચારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ફાસ્ટેગ લાઇનમાં ખામી અને ટ્રાફિક જામ વચ્ચે એમ્બ્યુલન્સને રસ્તો આપવા રજૂઆત કરતાં ગાળાગાળી બાદ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને પ્રભાસ પાટણ પોલીસ મથકમાં તપનભાઈની ફરિયાદને આધારે ૧૨ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં દરેલ ટોલ પ્લાઝા સંચાલકો-કર્મચારીઓ દ્વારા આવી રીતની દાદાગીરી અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન આમ નાગરિકોને સહન કરવું જ પડે છે. જેથી ટોલ પ્લાઝાના નિયમો અંગે લોકોમાં જાગૃતિ લાવવા અભિયાન ચલાવવાની માંગ પણ ઉઠી છે.

મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી તપન દવે પોતાના પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન અને ધ્વજારોહણ કરી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સોમનાથથી પરત આવતી વખતે માર્ગમાં આવેલા ડારી ટોલનાકા પર ફાસ્ટેગ લાઇનમાં ટેકનિકલ ખામી સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન પાછળથી એક એમ્બ્યુલન્સ આવતા અનેક વાહનચાલકોએ પોતાની ગાડીઓ રિવર્સ લઈ રસ્તો ખાલી કરવાનો પ્રયાસ કર્યો હતો. તપન દવે સહિત પાંચથી સાત વાહનચાલકોએ પણ એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે સહયોગ આપ્યો હતો. ત્યારબાદ તેમણે ડારી ટોલનાકાના કર્મચારીઓને ઝડપથી ટ્રાફિક ક્લિયર કરવાની રજૂઆત કરી હતી.

આ રજૂઆત સમયે ટોલ કર્મચારીઓએ ઉંચા અવાજે અને ઉદ્ધતાઈભર્યા શબ્દોનો પ્રયોગ કરી બોલાચાલી કરી હતી અને પરિવાર સાથે હોય તો પણ ડારી ટોલનાકાના કર્મચારીઓએ ગાળાગાળી શરૂ કરી હતી. ત્યારબાદ ટોલ પ્લાઝાના ૧૦થી ૧૨ સંચાલકો-કર્મચારીઓ પાઇપ સહિતની વસ્તુઓ લઈને આવી તપન દવે ઉપર હુમલો કરીને માથાના પાછળના ભાગે અને નાકના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. જે બાદ તેઓએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા, પ્રભાસ પાટણ પોલીસે આરોપી (1)ભગીભાઈ આહિર, (2)નિતીનભાઇ ભીમાભાઇ મકવાણા, (3)કાનજીભાઇ મેવાડા, (4)લક્ષ્મણભાઇ રામભાઇ ગઢવી, (5)નયનભાઇ પ્રતાપભાઇ બોરીચા, (6)ભુપતભાઇ મકવાણા, (7)લાલો આહિર, (8)નિકુંજ મેરામણભાઇ બકોતરા, (9)પરબતભાઇ બારડ, (10)નૃપલભાઇ આહિર, (11)જયેશભાઇ પુનાભાઇ રામ તથા (12)અરજણભાઇ હમીરભાઇ પંપાણીયા સામે હત્યાના પ્રયાસ, લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તપન દવેના જણાવ્યા મુજબ, સ્થાનિક લોકો તેઓને મળવા આવ્યા હતા અને તેઓએ જણાવ્યું કે, અગાઉ પણ આ ડારી ટોલનાકાના સંચાલકો-કર્મચારીઓના આવા વર્તનનો ભોગ બન્યા અંગે અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી છે, અને કેટલાય કિસ્સામાં બહારથી આવતા લોકો સમય અને કાયદાકીય પ્રક્રિયાના કારણે ફરિયાદ કરતા ન હોવાથી આવા તત્વોની હિંમતમાં વધારો થતો હોવાનું તેમણે જણાવ્યું હતું.

હાલ, ગુજરાતભરમાં ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ મશીનમાં ખામી, ટ્રાફિક, ઓવરલોડિંગનું કહી ટ્રક ચાલકો સાથે માથાકૂટ, કર્મચારીઓના વર્તન અંગે ચર્ચા શરૂ થઈ છે. સરકાર દ્વારા ટોલ પ્લાઝા માટે વિવિધ નિયમો નક્કી કરવામાં આવ્યા હોવા છતાં મોટા ભાગના વાહનચાલકોને તેની પૂરતી જાણકારી ન હોવાના કારણે દરેક ટોલ પ્લાઝા કહેવામાં આવે તો કોઈ અતિશયોક્તિ નથી પરંતુ તમામ ટોલ પ્લાઝા વાળા આ બાબતનો ગેરફાયદો ઉઠાવતા હોય છે અને કોઈ વિરોધ કરે તો જે રીતે તપનભાઈ સાથે મારામારી કરી તેવી જ રીતે તેઓ અન્ય વાહન ચાલકો ઉપર હુમલો કરે જ છે. તપનભાઈ જેવા ઉચ્ચ રાજકીય હોદ્દેદાર અને પ્રતિષ્ઠિત વ્યક્તિ ઉપર આવી રીતે હુમલો થાય તો આ ટોલ પ્લાઝા વાળા માટે સાધારણ વાહન ચાલકો ઉપર હુમલો કરવો તે કોઈ મોટી વાત નથી. હાલ આ સંદર્ભમાં હવે ગુજરાત પોલીસ, આરટીઓ અને સંબંધિત તંત્ર દ્વારા રાજ્યભરમાં ટોલ પ્લાઝાના નિયમો અંગે જાગૃતિ અભિયાન ચલાવવાની માંગ ઉઠી છે. વાહનચાલકોને તેમના અધિકારો અને નિયમોની જાણકારી મળે તો ટોલ પ્લાઝા ઉપરના વિવાદો અને મારામારીની ઘટનાઓમાં મહદઅંશે ઘટાડો થઈ શકે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!