હાલ કોરોનાની મહામારી સામે રક્ષણ આપવા માટે કોરોના વેક્સીન અંગેના સર્વેની કામગીરી ચાલી રહી છે. જેમાં ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ લોકો તેમજ 50 વર્ષથી ઓછી ઉમર અને સાથે ગંભીર બીમારી જેવી કે હદયની બીમારી, કીડનીની બીમારી, કેન્સરની બીમારી, થેલેસેમિયાની બીમારી, અંગ પ્રત્યારોપણ, સિકલસેલ એનીમિયા, માનસિક વિકલાંગતા વગેરેનો પણ સમાવેશ કરવામાં આવી રહેલ છે, મોરબી જિલ્લામાં હાલ આ કામગીરી આખરી ચરણમાં આવી ગયેલ છે. જેમાં ફક્ત મોરબી શહેરી વિસ્તારના સર્વેની કામગીરી ચાલી રહેલ છે.જયારે તમામ ગ્રામ્ય વિસ્તારમાં આ કામગીરી પૂર્ણ કરી દીધેલ છે, ગ્રામ્ય કક્ષાએ આ કામગીરી કોવીડ-૧૯ ની ગ્રામ યોધ્ધા સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. જેમાં ગામના તલાટી કમ મંત્રીઓ, શિક્ષકો, આંગણવાડી વર્કર બહેનો, આશા બહેનો તેમજ આરોગ્ય કર્મચારીઓ તથા VCE ઓપરેટર વગેરે દ્વારા સયુંકતપણે આ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.
આમ, જીલ્લા વહીવટી તંત્રના સમગ્ર વિભાગના સયુંકત સહિયારા પ્રયાસથી ગ્રામ્ય વિસ્તારમાં આ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવેલ છે.જયારે મોરબી શહેરી વિસ્તારમાં પણ આ કામગીરીમાં શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ, આશા બહેનો અને આંગણવાડી વર્કર દ્વારા કામગીરી ચાલી રહેલ છે. તેમજ શહેરી વિસ્તારમાં આ કામગીરીનું સુપરવાઈઝન એલ. ઈ. કોલેજના પ્રધ્યાપકો દ્વારા કરવામાં આવી રહેલ છે. અને આ અઠવાડિયાના અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે.
મોરબીની તમામ જનતાને આ કામગીરીમાં સહયોગ આપી જરૂરી માહિતી આપવા વિનતી કરાઈ છે. કે જેથી ભારત સરકાર દ્વારા આગામી સમયમાં આવનારા કોરોના પ્રતિરોધક રસીની કામગીરી સુચારુ રીતે થઇ શકે.