સમાજવાડીમાં ફાયર પ્રિવેન્શન અંગે માર્ગદર્શન અપાયું, ફાયર સેફ્ટીની ખામી ધરાવતી બિલ્ડીંગોને નોટિસ ફટકારાઈ.
મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ૪થી ૧૭ નવેમ્બર દરમિયાન એક સમાજવાડીમાં ૯૦ લોકોને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત ફાયર સેફ્ટી સિસ્ટમની ચકાસણી કરી ખામીઓ ધરાવતી બિલ્ડીંગોને નોટિસ આપવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા ફાયર સેફ્ટી અને આગ નિવારણ અંગે જાગૃતિ લાવવા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા. ૦૪/૧૧/૨૦૨૬થી ૧૭/૧૧/૨૦૨૬ દરમિયાન એક સમાજવાડીમાં ૯૦ વ્યક્તિઓને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી. સાથે જ બિલ્ડીંગનાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમનું ઇન્સ્ટોલેશન ચેક કરવામાં આવ્યું હતું. જેમાં અપૂરતી વ્યવસ્થા ધરાવતી બિલ્ડીંગોને નોટિસ આપી જરૂરી સૂચનો અને માર્ગદર્શિકા આપવામાં આવી હતી. આ ઉપરાંત ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) માટે આવેલી બે અરજીઓ આર.એફ.ઓ. કચેરીમાં મોકલવામાં આવી છે.
ફાયર શાખાના જણાવ્યા મુજબ મોરબી શહેર અને જીલ્લામાં આગના ૧૮ બનાવો તેમજ દિવાળીના તહેવાર દરમિયાન ૪૨ ફાયર કોલ અને એક રેસ્ક્યુ કોલમાં ફાયર જવાનોએ કામગીરી કરી હતી. નાગરિકોમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવા, આગ નિવારણનાં સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવા અને કટોકટીના સમયે જાનમાલનું નુકસાન અટકાવવાના હેતુથી આ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આગ કે અન્ય કોઈ ઇમરજન્સીની સ્થિતિમાં મોરબી ફાયર અને ઇમરજન્સી સર્વિસના નંબર ૦૨૮૨૨-૨૩૦૦૫૦, ૧૦૧ અથવા ૧૧૨ પર સંપર્ક કરવા ચીફ ફાયર ઓફિસર દ્વારા અપીલ કરવામાં આવી છે.






