કોરોના મહામારીએ વેપાર ધંધાને વ્યાપક નુકશાન કર્યું છે. જેની સીધી અસર કરવેરાની વસુલાત પર પડી છે. કોરોનાની આફતથી કરવેરા વસુલાતને મોટો માર પડ્યો છે. મોરબી પાલિકાને સરેરાશ પ્રતિવર્ષ રૂ.17 કરોડ આસપાસની કરવેરા રૂપે આવક થાય છે. આ વર્ષે સામે અત્યાર સુધીમાં માત્ર 9.23 કરોડના કરવેરાની વસુલાત થતા હવે કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવા પાલિકા તંત્ર ઊંઘે માથે થયું છે.
મોરબી નગરપાલિકાને આ વખતે કરવેરા રૂપે થતી આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગત એપ્રિલ માસથી પાલિકાનું નવું કરવેરા વર્ષ શરૂ થયું હતું. પણ એ એપ્રિલ માસથી કોરોના મહામારીએ અજગરી ભરડો લીધો હતો. લોકડાઉન અને ત્યારબાદ પણ વેપાર-ધંધાની ગાંડી માંડ માંડ પાટે ચડતા પાલિકાને કરવેરાની આવકમાં આ વર્ષ સૌથી વધુ ઘટ થઈ છે. ખાસ કરીને લોકડાઉનમાં સરકારી કચેરીઓ પણ ત્રણેક માસ સુધી બંધ રહી હતી. એટલે કરવેરાની આવક નહિવત થઈ છે.
દર વર્ષે પાલિકાને કરવેરા રૂપે રૂ.17 કરોડની આસપાસ આવક થાય છે. પણ પાલિકાના નવા નાણાંકીય વર્ષ શરૂ થયાને 9 માસ વીતી ગયા અને વર્ષ પૂરું થવાને હવે 3 માસ જ બાકી હોવા છતાં પાલિકાને અત્યાર સુધી રૂ. 9.23 કરોડના કરવેરાની વસુલાત થઈ છે. નગરપાલિકાનો ટેક્સ વિભાગ હવે કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવા ભારે મથામણ કરી રહ્યો છે.
કરવેરા ભરવામાં હજુ 47 હજાર જેટલા બાકીદારો છે. આ બાકીદારોનું લિસ્ટ કાઢીને પાલિકાએ આ તમામને નોટિસો આપવાની કાર્યવાહી હાથ ધરી છે. આ રીતે છેલ્લા ત્રણ મહિના બાકી હોય ત્યારે પાલિકાએ કરવેરાની વસુલાત કરવા કમર કસી છે અને હવે વેરા વસુલાત ઝુંબેશે ગતિ પકડી છે. અત્યાર સુધીમાં 21 હજાર જેટલા લોકોએ રૂ. 9.23 કરોડ કરવેરા રૂપે પાલિકામાં ભરપાઈ કર્યા છે. જ્યારે બાકીદારોને જાન્યુઆરી સુધીમાં નોટિસો પાઠવી દેવામાં આવશે. આ વખતે જુદાજુદા ચાર જેટલા સખી મંડળોને આ કામગીરી સોંપવામાં આવી છે. આ સખી મંડળો ઘરે-ઘરે ફરીને બિલો પહોંચાડશે.