મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે એક હજાર ગ્લાસ શેરડીનો રસ અને પાંચસો ગ્લાસ છાશનું નિઃશુલ્ક વિતરણ.
મોરબી: પુરુષોત્તમ માસના પવિત્ર અવસરે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે માનવસેવાના ભાગરૂપે ‘શીતળ સેવા પ્રોજેક્ટ’ યોજાયો હતો. હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગાં-સંબંધીઓ અને જરૂરિયાતમંદ લોકો માટે શેરડીનો રસ અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અત્યંત પવિત્ર અને પુણ્યપ્રદ માનવામાં આવતા પુરુષોત્તમ માસ દરમિયાન મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે માનવતાભર્યો સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો. ઉનાળાની ગરમીમાં હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગાં-સંબંધીઓ, રાહદારીઓ તેમજ જરૂરિયાતમંદ લોકોને રાહત મળે તે હેતુથી ૧,૦૦૦ ગ્લાસ તાજા શેરડીના રસ અને ૫૦૦ ગ્લાસ છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ માસને દાન, સેવા, જપ-તપ અને ભક્તિ માટે વિશેષ મહત્વનો મહિનો માનવામાં આવે છે. આ પવિત્ર માસમાં કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓને વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થતું હોવાનું માનવામાં આવે છે. આ જ ભાવનાને કેન્દ્રમાં રાખીને મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા આ સેવા પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સંસ્થાના સભ્યોએ ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. હોસ્પિટલમાં ઉપસ્થિત દર્દીઓ અને તેમના સગાંઓએ સંસ્થાની આ પહેલને બિરદાવી હતી. મુસ્કાન વેલફેર સોસાયટી સતત સમાજસેવા, માનવતા અને પરોપકારના કાર્યોમાં સક્રિય રહી સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરતી રહી છે અને ભવિષ્યમાં પણ આવા લોકકલ્યાણકારી કાર્યો માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.






