મોરબીમાં અકસ્માતોના વધતા બનાવો વચ્ચે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. પોલીસે ડ્રાઇવ યોજી નંબર પ્લેટ વગર દોડતા વાહનોના માલિકો વિરૂધ્ધ લાલ આંખ કરી ડમ્પર, આઇસર સહિત છ વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો.
મોરબી જિલ્લા એસપી સુબોધ ઓડેદરા દ્વારા મોરબી જીલ્લામાં ફરતા નંબર પ્લેટ વગરના ડમ્પરો/ટ્રકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હોય જેને લઈને મોરબી જિલ્લા ટ્રાફીક શાખા દ્વારા હાઇવે રોડ ઉપર સ્પેશ્યલ વાહન ચેકિંગ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન નંબર વગર દોડતા ૫ ડમ્પર તથા એક આઇશર સહિત કુલ છ વાહનો વિરૂધ્ધ એમ.વી.એકટ કલમ. ૨૦૭ મુજબ ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કાર્યવાહી કરી હતી. તેમજ આગામી સમયમાં પણ સ્પેશ્યલ વાહન ચેકિંગ ડ્રાઇવનુ આયોજન કરી આવા વાહનો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે.