રાજ્યભરમાં વ્યાજખોરોનો દૂષણ સતત વધી રહ્યું છે અને વ્યાજના ખપ્પરમાં અનેક પરિવારો હોમાઈ રહ્યા છે. વ્યાજખોરો સામાન્ય લોકોની મજબૂરીનો લાભ લઈને તેમને ઉંચા વ્યાજે પૈસાનું ધિરાણ કરે છે. ત્યારબાદ આ લોકો પૈસા ન ભરી શકે તો તેમની પાસેથી તેમની મિલકત અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ પોતાના નામે લખાવી લેતા હોય છે. ત્યારે વ્યાજખોરોને ડામવા ડીજીપી આશિષ ભાટિયાએ પોલીસ બેડાને આદેશ કર્યો છે. જેને લઇ મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠીએ ટીમની રચના કરી છે.
ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસ કાર્યવાહી કરશે. રજિસ્ટ્રેશન વિના નાણા ધીરનારા સામે પોલીસ કાર્યવાહી કરશે. આવા વ્યાજખોરો સામે મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મની લોન્ડ્રિંગની અરજીઓ પર SP અને DCP કક્ષાના અધિકારીઓ મૉનિટરિંગ કરશે. જેને લઈ આ પ્રકારના ગુના આચરતા લોકોને કાયદાના બરોબર પાઠ ભણાવવા માટે મોરબી એસપી રાહુલ ત્રિપાઠીએ ટીમની રચના કરી છે. જેમાં પીઆઇ એચ.એમ વ્યાસ અને જુદા જુદા પોલીસ મથકના પોલીસકર્મીઓનો ટીમમાં સમાવેશ કરાયો છે. ત્યારે આ પ્રકારના ગેરકાયદેસર રીતે નાણાંની ધીરધાર કરતા અને પઠાણી ઉઘરાણી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને અમુક તત્વો દ્વારા પોતાના વ્યાજ વટાવના હાટડા સંકેલી લેવા તરફ પ્રયાણ કરી રહ્યા છે.