મોરબી જિલ્લાની વિધાનસભા ચૂંટણીનું તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ મતદાન થનાર છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની જોગવાઈ અનુસાર ઉમેદવારી પાછી ખેંચવા માટે નિયત કરેલ છેલ્લી તારીખ અને મતદાન વચ્ચે ઓછામાં ઓછા ચોખ્ખા ૧૩ દિવસનો ગાળો રાખવામાં આવે છે. આ સમયગાળા પછી મતદાન પૂર્ણ થવા માટે નિયત કરેલ સમય મર્યાદા પુરા થતાં ૪૮ કલાકની મુદત દરમિયાન જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. સમગ્ર મોરબી જિલ્લામાં મતદાન તા.૦૧/૧૨/૨૦૨ ના રોજ સવારના ૦૮:00 કલાકથી સાંજના ૦૫:00 કલાક સુધી થનાર છે. તેથી મતદાન પૂરું થવાના સમય પહેલાના ૪૮ કલાકે એટલે કે, તા.૨૯/૧૧/૨૦૨૨ ના સાંજના ૦૫:૦૦ કલાકથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવવો જરૂરી જણાતા મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યાં અનુસાર ચૂંટણી સબંધમાં કોઈ જાહેરસભા બોલાવશે નહી, યોજશે નહીં, સંબોધન કરશે નહીં કે સરઘસ કાઢશે નહી કે તેવી સભામાં હાજરી આપશે નહી. સિનેમેટોગ્રાફ, ટેલીવિઝન, એલ.ઈ.ડી. અથવા આવા અન્ય સાધનોની સહાયથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહીં. મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દ્રષ્ટિએ જાહેરમાં કોઈ સંગીતનો જલસો, થીએટરનો કાર્યક્રમ, કોઈ મનોરંજન કાર્યક્રમ કે સમુહભોજન યોજીને કે યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરશે નહીં. કે ચૂંટણીના પરીણામ પર અસર કરે તેવા ઈરાદાવાળી કોઈ પ્રવૃતિ કરશે નહીં.