મોરબી: મોરબી તાલુકાના ઘૂંટુ ગામ સ્થિત રામકો વિલેજ સોસાયટીના રહિશોએ છેલ્લા છ મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ કરી જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત તંત્રને લેખિત રજૂઆત કરી છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી નિયમિત પીવાનું પાણી મળતું નથી, જેના કારણે મહિલાઓ, બાળકો અને વડીલોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે પીવાના પાણીના અભાવે લોકોને અન્ય વિસ્તારોમાંથી પાણી મેળવવું પડે છે, જેના કારણે આર્થિક તેમજ શારીરિક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. આ અંગે ગ્રામજનોએ ગામના સરપંચ સમક્ષ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
ગ્રામજનોના આક્ષેપ મુજબ સરપંચે પાણી પુરવઠા અંગે કરાયેલી રજૂઆત દરમિયાન નિરાશાજનક જવાબ આપ્યો હતો, જેના કારણે રહિશોમાં રોષ ફેલાયો છે. રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા લોકોની સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવી રહી નથી.
રહિશોએ તંત્ર સમક્ષ તાત્કાલિક ટેન્કર દ્વારા પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવાની, પાણી પુરવઠા વ્યવસ્થાની તપાસ કરીને કાયમી ઉકેલ લાવવાની તેમજ જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો આગામી સાત દિવસમાં સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવે તો તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે અને મુખ્યમંત્રી કાર્યાલયના સ્વાગત કાર્યક્રમ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે. હાલ આ મુદ્દે સ્થાનિક તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર ગ્રામજનોની નજર છે.






