મોરબી શહેરના શોભેશ્વર રોડ વિસ્તારમાં થયેલી યુવકની હત્યાના બનાવમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ થાન વિસ્તારના બુટલેગર કાકાએ પોતાના ગેરકાયદેસર દારૂના ધંધાની પોલીસને બાતમી આપ્યાની શંકા રાખી ભત્રીજાની હત્યા કરાવી હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે કાકા, તેમના પુત્ર સહિત કુલ ચાર ઇસમો વિરુદ્ધ હત્યા, આર્મ્સ એક્ટ અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાતા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, મોરબીના શોભેશ્વર રોડ વિસ્તારમાં એકલા રહેતા હનીફભાઈ ગફુરભાઈ ભટ્ટીનો મૃતદેહ તેમના રૂમમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. મૃતકના ભાઈ ઇરફાનભાઈ ભટ્ટીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના કાકા ફારૂકભાઈ અલારખાભાઈ ભટ્ટી થાન વિસ્તારમાં ઇંગ્લિશ દારૂનો ગેરકાયદેસર ધંધો કરે છે. પોલીસ દ્વારા તેમના ધંધા પર કાર્યવાહી થતી હોવાથી હનીફભાઈ પોલીસને બાતમી આપતા હોવાની શંકા રાખી ફારૂકભાઈ અવારનવાર પરિવાર સાથે ઝઘડા કરતા હતા. ફરિયાદ મુજબ આ જ અદાવતનો ખાર રાખી ફારૂકભાઈ, તેમના પુત્ર રીયાઝ ફારૂકભાઈ ભટ્ટી તેમજ સમીર સૈયદ અને નાઝીમ દિવાન મોરબી પહોંચ્યા હતા અને હનીફભાઈ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી તેમજ ફાયરિંગ કરી તેમની હત્યા કરી હતી.
બનાવની જાણ થતાં પરિવારજનો મોરબી દોડી આવ્યા હતા, જ્યાં હનીફભાઈનો મૃતદેહ રૂમમાં લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાથમિક તપાસમાં જૂની અદાવત અને દારૂના ગેરકાયદેસર ધંધાને લઈને ઊભી થયેલી હત્યા પાછળનું મુખ્ય કારણ હોવાનું સામે આવી રહ્યું છે.






