મોરબી પંથકમાં પોલીસની ચપળતાથી નિતનવા નશાના કાળા કારોબારનો પર્દાફાશ થઈ રહ્યો છે. ત્રણ દિવસ આગાઉ વાંકાનેરની મેસરિયા ચેક પોસ્ટ નજીકથી પોલીસે રિક્ષામાંથી ચાર કિલો ગાંજાનો જથ્થો ઝડપી લીધા બાદ આજે વાંકાનેરના માર્કેટ ચોક નજીક રહેણાક મકાનમાંથી સાડા છ કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં એસઓજી ટીમને સફળતા મળી છે. પોલીસે ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો હતો જેમાં અન્ય ને શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વાંકાનેર શહેરમાં માર્કેટ ચોક પાસે નાગરિક બેન્ક સામેની શેરીના મકાનમાં ગાંજાનો જથ્થો હોવાની બાતમીને લઈને
મોરબી એસઓજી ટીમ અને સ્થાનિક પોલિસે સહિયારું ઓપરેશન હાથ ધાર્યું હતું જેમાં ચંદ્રકાન્ત ઉર્ફે ચંદુભાઈ ત્રિભોવનદાસ જોબનપુત્રાના રહેણાંક મકાનમાં પોલીસે રેઇડ કરતા 6.500 કિલો ગાંજા કિંમત રૂપિયા 65.000 આ ઉપરાંત 3100નો અન્ય મુદ્દામાલ સહિત 68.100ના મુદ્દામાલ સાથે મકાનમાલિકને ઝડપી લીધો હતો.પ્રાથમિક પૂછપરછ માં આરોપી એ કબુલાત કરી હતી કે આ ગાંજો રાજકોટ ના હસમુખ મારફતે સુરત થી મનોજ નામના વ્યક્તિ પાસે થી મંગાવ્યો હતી . જેથી યુવાધનને બરબાદીના ખપ્પરમાં હોમતા આ કાળાકારો બારમા અન્ય આરોપી મનોજ જેના ( રહે. ઉત્કલનગર, કતારગામ સુરત) તથા હસમુખ ઉર્ફે રાજુ બચુભાઈ બગથરીયા (રહે રાજકોટ) કસૂરવાર હોવાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાંટ શરૂ કર્યો છે.પકડાયેલ આરોપી 17 વર્ષ પહેલાં પણ અંદાજીત 16 કિલો ગાંજા ના કેસ માં સંડોવાયેલ હતો અને જેમાં તેને સજા પણ ભોગવેલ છે જેમાંથી બહાર આવી ને ફરી થી લખણ ઝળકાવ્યા હતા.
આ કામગીરીમાં પીઆઇ વી.ડી.વાઘેલા, ઈન્ચાર્જ પીઆઇ પી.જી.પનારા , પોલિસ હેડ કોન્સ્ટેબલ રસિકભાઇ કડિવાર, મુકેશભાઇ જોગરાજીયા , મહાવીરસિંહ પરમાર , કોન્સ્ટેબલ સતિષભાઈ ગરચરકા, સંદિપભાઇ માવલા તથા વાંકાનેર સીટીના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ પરમાર, કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા તથા લોકરક્ષક કૃષ્ણરાજસિંહ ઝાલા જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ આગાઉ વાંકાનેરની મેસરિયા ચેક પોસ્ટ નજીકથી પોલીસે રિક્ષામાંથી ચાર કિલો ગાંજાનો જથ્થો ઝડપી લીધા બાદ વધુ એક સફળ ઓપરેશન હાથ ધરી પાંચ કિલો ગાંજો ઝડપી લીધો હતો.