સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની ‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ’ યોજનાથી શરૂ થયેલી સામાન્ય ખેડૂત પરિવારની દીકરીની સફર આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી
કબડ્ડી રમત ક્ષેત્રે સતત મહેનત, શિસ્ત અને ઉત્કૃષ્ટ કૌશલ્યના બળે એશિયન ગેમ્સ કેમ્પ બાદ હવે કોમનવેલ્થ મંચ પર દેશ અને રાજ્યનું નામ રોશન કરશે
રમતગમત ક્ષેત્રે ગુજરાતના યુવાનો આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતાના નવા શિખરો સર કરી રહ્યા છે. સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા ‘સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત’ (SAG) ના સઘન પ્રયાસો અને આધુનિક પ્રોત્સાહક યોજનાઓના પરિણામે છેવાડાના વિસ્તારોની સુષુપ્ત રમત પ્રતિભાઓ ખીલી રહી છે. આ વૈશ્વિક સફળતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ મોરબીની કબડ્ડી ખેલાડી સભઈબેન ગઢવીએ પૂરું પાડ્યું છે. આગામી સમયમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય કક્ષાની “1st Commonwealth Kabaddi Championship 2026” માં ભારતીય મહિલા કબડ્ડી ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી પામીને સભઈબેને મોરબી જિલ્લાની સાથે સમગ્ર ગુજરાત રાજ્યનું નામ દેશ-વિદેશમાં રોશન કર્યું છે.
– શરૂઆતી સફર: જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના બની પાયાનો પથ્થર
સભઈબેન ગઢવીએ વર્ષ ૨૦૧૮ માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની ‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ’ (DLSS) યોજના હેઠળ નવજીવન વિદ્યાલય-મોરબી ખાતે ધોરણ-૯ માં કબડ્ડી ખેલાડી તરીકે પ્રવેશ મેળવ્યો હતો. ધોરણ-૯ થી ૧૨ સુધીના અભ્યાસ દરમિયાન તેમણે પોતાના અનુભવી કોચ શ્રી વિજયકુમાર ચૌધરી અને શ્રી નરસિંહભાઈ રબારીના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ કબડ્ડી રમતની અત્યંત કઠિન અને સઘન તાલીમ મેળવી હતી. રમત પ્રત્યેનું ઝનૂન, આકરો પરિશ્રમ, શિસ્ત અને સમર્પણ ભાવનાના કારણે તેમણે રાજ્ય કક્ષાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી.
– સતત પ્રગતિ: SAG થી લઈને SAI સુધીની ઝળહળતી યાત્રા
મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શનના પરિણામે તેમને વર્ષ ૨૦૨૨-૨૩ માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની ‘સ્વામી વિવેકાનંદ બિન-નિવાસી સંવર્ધન કેન્દ્ર યોજના’ નો લાભ મળ્યો હતો. ત્યારબાદ તેમની અદ્ભુત ક્ષમતાને ધ્યાને રાખી વર્ષ ૨૦૨૩-૨૪ થી તેઓ ‘સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (SAI) ના નેજા હેઠળ રાષ્ટ્રીય કક્ષાનું ઉચ્ચસ્તરીય પ્રશિક્ષણ મેળવી રહ્યા છે. અગાઉ એમની ઉત્કૃષ્ટ રમતશૈલીને કારણે ‘એશિયન ગેમ્સ-૨૦૨૬’ ના ભારતીય મહિલા ટીમના કેમ્પમાં પણ પસંદગી થઈ ચૂકી છે, જે તેમની રમત પ્રત્યેની અદમ્ય નિષ્ઠા દર્શાવે છે.
– સમગ્ર ગુજરાતની યુવા પેઢી માટે પ્રેરણાસ્રોત
કબડ્ડી જેવા માટી સાથે જોડાયેલા દેશી ખેલમાં ગુજરાતની કોઈ મહિલા ખેલાડી આંતરરાષ્ટ્રીય કક્ષાની કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ તરફથી રમે તેવી આ પ્રથમ ઐતિહાસિક સિદ્ધિ છે. રાજ્ય સરકારની રમત વિકાસલક્ષી નીતિઓ, ગુણવત્તાસભર ખેલ માળખું અને અનુભવી પ્રશિક્ષકોના સચોટ માર્ગદર્શનથી ગ્રામીણ કે નાના શહેરની પ્રતિભાઓ કેવી રીતે વિશ્વ મંચ સુધી પહોંચી શકે છે, તેનું સભઈબેન ગઢવી પ્રત્યક્ષ ઉદાહરણ બન્યા છે. તેમની આ અવિસ્મરણીય સિદ્ધિ રાજ્યની અન્ય દીકરીઓ અને યુવા ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવાની નવી પ્રેરણા પૂરી પાડશે.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ જિલ્લા વહીવટી તંત્ર, મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોરબી જિલ્લા કબડ્ડી એસોસિએશન, નવજીવન વિદ્યાલય પરિવાર, કોચ તથા શિક્ષકો દ્વારા સભઈબેન ગઢવીને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ‘૧લી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-૨૦૨૬’ માં ભારતની ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન કરી સ્વર્ણિમ સફળતા મેળવે અને દેશનો તિરંગો વિશ્વમાં લહેરાવે તેવી સમગ્ર મોરબી અને ગુજરાતવાસીઓ વતી ભાવભરી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.






