મોરબી તાલુકાના જોધપર ગામેં જમીન કૌભાંડ અંગે માહિતી અધિકારની હેઠળ કરેલી અરજી પાછી ખેંચી લેવા બાબતે ઝઘડો કરી ત્રણ માથાભારે ઈસમોએ વૃદ્ધને માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે જેને લઈને મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મૂળ જોધપર ગામના અને હાલ મોરબી રહેતા પ્રાગજીભાઇ વાલજીભાઇ રાજપરા તથા સાહેદ રજનીકાંતભાઇ બંને જોધપર(નદી) ગ્રામ પંચાયત ખાતે જમીન કોંભાંડ બાબતેની જાહેર માહીતી અધિકારની અરજી આપવા ગ્રામ પંચાયત ખાતે ગયા હતા આ દરમિયાન આરોપી ભગવાનભાઇ ચતુરભાઇ બરાસરા પંચાયત ઓફીસમા બેઠા હતા અને આરોપી જયેશભાઇ ભુરાભાઇ હોથી તથા માવજીભાઇ ભુદરભાઇ બરાસરાને ત્યાં બોલાવી અરજી પાછી ખેંચી લેવા બાબતે ઝઘડો કર્યો હતો. જેમાં વૃધે અરજી પાછી ખેચવાની ના પાડતા પંચાયત ઓફીસની બહાર નીકળતા ત્રણેય આરોપીઓએ આધેડ પર લાકડા ધોકા વડે હુમલો કર્યો હતો. આ ઉપરાંત મારી નાખવાની ધમકી આપતા પ્રાગજીભાઇએ તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસે તપાસ તેજ બનાવી છે.