સિરામિક ઉદ્યોગોમાં પરપ્રાંતીય મજૂરો પર પોલીસની બાજ નજર: બે શંકાસ્પદ સહિત અન્ય શંકાસ્પદોની પૂછપરછ ચાલુ.
મોરબી: દેશવ્યાપી ગેરકાયદેસર ઘૂસણખોરી સામે ચાલી રહેલા અભિયાન અંતર્ગત મોરબી જીલ્લામાં પણ ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ હાથ ધરાયું છે. સિરામિક ઉદ્યોગ વિસ્તારોમાં સઘન તપાસ દરમિયાન ૧૦૦ જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી છે, જ્યારે બે બાંગ્લાદેશી મહિલાઓ સહિત અન્ય લોકોની તપાસ ચાલી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દેશભરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત બાદ ગુજરાત પોલીસ હરકતમાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે મોરબી જીલ્લામાં પણ ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં બે દિવસથી વિવિધ પોલીસ ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું.
મોરબી એલસીબી, એસઓજી, સાયબર સેલ, મોરબી એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા, માળિયા, હળવદ, ટંકારા તેમજ વાંકાનેર સિટી અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો આ અભિયાનમાં જોડાઈ હતી. કુલ ૧૧ ટીમમાં આશરે ૮૦ જેટલા પોલીસ કર્મચારીઓએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખાસ કરીને મોરબીના સિરામિક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન બે બાંગ્લાદેશી મહિલાઓ મળી આવી હોવાનું સામે આવ્યું છે. હાલ તેમની ઓળખ, દસ્તાવેજો અને ભારતમાં પ્રવેશના રૂટ અંગે પૂછપરછ ચાલી રહી છે. આ ઉપરાંત અન્ય બે શંકાસ્પદ વ્યક્તિઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
સમગ્ર અભિયાન અંગે ડીવાયએસપી જે.રમ.આલ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં આશરે ૧૦૦ જેટલા લોકોની ચકાસણી અને પૂછપરછ કરવામાં આવી છે. ઝડપાયેલા શંકાસ્પદો બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ મારફતે અહીં પહોંચ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે નહીં તે સહિતના મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. તેઓ પાસે ભારતીય ઓળખના દસ્તાવેજો છે કે નહીં અને કેટલા સમયથી મોરબીમાં મજૂરી કરે છે તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, ગયા વર્ષે પણ આવા જ અભિયાન દરમિયાન મોરબી જીલ્લામાંથી ૧૦ જેટલા બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા હતા અને ત્યારે તમામને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.
મોરબી જીલ્લા પોલીસ દ્વારા પ્રજાજોગ સંદેશ આપતા જણાવ્યું કે, મોરબી જીલ્લાના ઉદ્યોગપતિઓ અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ શંકાસ્પદ પરપ્રાંતીય વ્યક્તિ અથવા મજૂર અંગે માહિતી મળે તો તાત્કાલિક મોરબી પોલીસને અથવા ૧૧૨ ઉપર જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.






