મોરબીના પ્રજા વત્સલ રાજવી પરિવારે બેનમૂન સ્થાપત્ય કલાની અનેક ઐતિહાસિક વિરાસતની સોગાદ મોરબીવાસીઓને આપી છે.તેમાંની એક એટલે મોરબીનો નહેરુ ગેઇટ છે.આ બેનમૂન સ્થાપત્ય કલાનો જાજરમાન ઐતિહાસિક વારસો છે.
નહેરુ ગેઇટ સમગ્ર મોરબીનું હૃદય ગણાય છે, વિનાશક ભૂકંપમાં કારમી થપાટ બાદ રાજવી પરિવારે નહેરુ ગેઇટને મૂળ સ્થિતિમાં લાવી દીધો છે.આ નહેરુ ગેઇટમાં મોરબીમાં જ્યારે ઘડિયાળ ઉધોગનો પાયો પણ નંખાયો ન હતો ત્યારથી ચાર બાજુ ચાર ઘડિયાળો છે, આથી દેશ કે બહાર દેશમાંથી આવતા સહેલાણીઓ કે નેતાઓ અને મહેમાનોને નહેરુ ગેઇટની પ્રતિકૃતિ ભેટમાં અપાઈ છે.
આ નહેરુ ગેઇટની ઘડિયાળ ઘણા સમયથી બંધ હોય પાલિકાએ દિવાળીના તહેવારોને ધ્યાને લઈને આશરે 3.50 લાખના ખર્ચે આ ઘડિયાળને ફરી શરૂ કરી દીધી છે. આથી હવે નહેરુ ગેઇટની ઐતિહાસિક ઘડિયાલે ફરી મોરબીવાસીઓને સમય દર્શાવ્યો છે.